Jitu Vaghani :ભાવનગરમાં યોજાયેલા ભવ્ય સ્નેહ મિલન અને સત્કાર સમારંભમાં ગુજરાત સરકારના કૃષિ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોના હિતને લઈને સરકારની સ્પષ્ટ નીતિ રજૂ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને નુકસાન પહોંચાડતા લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા તત્વોને કોઈપણ સંજોગોમાં છૂટ આપવામાં આવશે નહીં.

Jitu Vaghani :ભાવનગર જિલ્લા સીડ્સ એન્ડ પેસ્ટીસાઈડ્સ એસોસિએશન દ્વારા ભવ્ય સમારંભ
ભાવનગર જિલ્લા સીડ્સ એન્ડ પેસ્ટીસાઈડ્સ એસોસિએશન દ્વારા આયોજિત આ ભવ્ય સ્નેહ મિલન અને સત્કાર સમારંભમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં એગ્રોની દુકાન ધરાવતા વેપારીઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કૃષિ મંત્રી તરીકે નિયુક્ત થયેલા ભાવનગર (પશ્ચિમ)ના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
Jitu Vaghani :1,000થી વધુ એગ્રો વેપારીઓની હાજરી

કાર્યક્રમમાં ભાવનગર ઉપરાંત બોટાદ, અમરેલી સહિત આસપાસના જિલ્લાઓ તેમજ બનાસકાંઠાથી લઈ સુરત સુધીના રાજ્યસ્તરના હોદ્દેદારો સહિત 1,000થી વધુ એગ્રોની દુકાન ધરાવતા વેપારીઓ જોડાયા હતા. આ પ્રસંગે ભાવનગર જિલ્લાની તમામ એગ્રોની દુકાનો સ્વયંભૂ રીતે બંધ રાખવામાં આવી હતી.
ખેડૂતનું ઉત્પાદન અને ગુણવત્તા વધે તે સરકારનો મુખ્ય હેતુ
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ આવી રહી છે. ખેડૂતનું ઉત્પાદન વધે, ગુણવત્તાયુક્ત પાક મળે અને ખેડૂતની આવકમાં વધારો થાય તે સરકારનો મુખ્ય હેતુ છે.
ખાતર-બીયારણ-પેસ્ટીસાઈડ્સનો સપ્રમાણ ઉપયોગ જરૂરી
વાઘાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખાતર, બીયારણ અને પેસ્ટીસાઈડ્સનો સપ્રમાણ અને વૈજ્ઞાનિક ઉપયોગ અત્યંત જરૂરી છે. વધુ પડતો ઉપયોગ જમીનની ઉર્વરતા, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. ખેડૂતોએ માત્ર દેખાવ પર નહીં પરંતુ જમીનની પોષક તત્વોને ધ્યાનમાં રાખીને ખેતી કરવી જોઈએ.
લેભાગુ તત્વો સામે સરકાર કડક વલણ અપનાવશે

કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ખોટી માહિતી આપી અથવા ગેરકાયદેસર રીતે દવાઓ વેચીને નુકસાન પહોંચાડતા તત્વો સામે સરકાર ગંભીર છે. આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ખેડૂતોના હિતોની રક્ષા કરવામાં આવશે.
એગ્રો વેપારીઓ ખેડૂતો માટે ‘બ્રાન્ડ એમ્બેસેડર’
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, એગ્રોની દુકાન ધરાવતા વેપારીઓ ખેડૂતો માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. સચોટ માહિતી અને યોગ્ય માર્ગદર્શન દ્વારા ખેડૂત અને વેપારી બંનેનો વિકાસ શક્ય બને છે.
આગેવાનોની વિશાળ હાજરી
આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ભાવનગર જિલ્લા સીડ્સ એન્ડ પેસ્ટીસાઈડ્સ એસોસિએશનના બીપીનભાઈ સવાણી, અરવિંદભાઈ ટીંબડીયા, યશવંતભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, વિક્રમસિંહ ગોહિલ તથા જીલુભાઈ ભૂકણ સહિતના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




