Ahmedabad Traffic Alert:31 ડિસેમ્બરે CG રોડ અને SBR તમામ વાહનો માટે બંધ: પાર્કિંગ પર પ્રતિબંધ, જાણો વૈકલ્પિક રૂટ અને ટ્રાફિક નિયમો

0
180
Ahmedabad Traffic
Ahmedabad Traffic

Ahmedabad Traffic Alert:નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અને સલામતીને લગતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની રાત્રે શહેરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોઈ, શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

Ahmedabad Traffic Alert

Ahmedabad Traffic Alert:CG રોડ અને સિંધુ ભવન રોડ રહેશે બંધ

જાહેરનામા મુજબ, સી.જી. રોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સર્કલ સુધી 31 ડિસેમ્બરના સાંજે 6 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડીરાતના 3 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી રહેશે.
તે જ રીતે, સિંધુ ભવન રોડ પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઈન ચાર રસ્તા સુધી બંને બાજુનો માર્ગ 31 ડિસેમ્બરના રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડીરાતના 3 વાગ્યા સુધી બંધ રહેશે.

Ahmedabad Traffic Alert:વૈકલ્પિક અવરજવર માટેના રૂટ

Ahmedabad Traffic Alert

ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ રાખવા માટે પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • સમથેશ્વર મહાદેવથી બોડીલાઇન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડીલાઇન ચાર રસ્તા થઈ સમથેશ્વર મહાદેવ તરફનો માર્ગ ચાલુ રહેશે, જેથી વાહનચાલકો CG રોડ ક્રોસ કરી શકશે, પરંતુ CG રોડ પર વાહન ચલાવી શકાશે નહીં.
  • મીઠાખળી સર્કલથી ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ ચાર રસ્તા થઈ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તિક ચાર રસ્તા, કોમર્સ છ રસ્તા થઈ CG રોડ તરફ જઈ શકાશે.
  • સિંધુ ભવન રોડ માટે ઝાઝરમાન ચાર રસ્તાથી અશ્વમેઘ બંગલો ચાર રસ્તા, કાલી બારી મંદિર રોડ, ઉમિયા ટ્રેડર્સ ટી થઈ તાજ સ્કાયલાઈન તરફ જવાની વ્યવસ્થા રહેશે.
  • ઝાઝરમાન ચાર રસ્તાથી બાગમાં ચાર રસ્તા થઈ આંબલી ઓવરબ્રિજના મધ્ય ભાગથી શીલજ સર્કલ તરફ પણ જઈ શકાશે.

SG હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ

શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ભારે અને મધ્યમ પ્રકારના માલવાહક વાહનો પર પ્રતિબંધ રહેશે.
તે ઉપરાંત, SG હાઈવે (સરખેજ-ગાંધીનગર હાઈવે) પર પેસેન્જર વાહન સિવાયના તમામ વાહનો 31 ડિસેમ્બરના રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડીરાતના 3 વાગ્યા સુધી અવરજવર કરી શકશે નહીં. વાહનચાલકોને સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.

Ahmedabad Traffic Alert
Ahmedabad Traffic Alert

પાર્કિંગ પર પણ પ્રતિબંધ

પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધી SG રોડ અને તેના સર્વિસ રોડ પર 31 ડિસેમ્બરના સાંજે 7 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડીરાતના 3 વાગ્યા સુધી પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે.
તે ઉપરાંત, નહેરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઈ ઇસ્કોન ચાર રસ્તા સુધી ખાનગી લક્ઝરી વાહનોના પાર્કિંગ પર પણ પ્રતિબંધ મુકાયો છે. જોકે, ફરજ પરના સરકારી વાહનો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

નો-ડ્રોન ફ્લાય ઝોન જાહેર

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના પ્રવાસને લઈને 27 ડિસેમ્બર સાંજે 6 વાગ્યાથી 28 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી સમગ્ર અમદાવાદ શહેરને નો-ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે.
આ સમયગાળા દરમિયાન ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, પેરા મોટર, માઇક્રોલાઇટ એરક્રાફ્ટ અને હોટ એર બલૂન ઉડાવવા પર પ્રતિબંધ રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

ઉત્તરાયણને લઈને પણ જાહેરનામું

અમદાવાદ પોલીસ કમિશનરે ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં રાખીને પણ જાહેરનામું બહાર પાડ્યું છે. 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગ પર જોખમ સર્જાય તે રીતે પતંગ ઉડાવી શકશે નહીં કે દોડી પતંગ પકડી શકશે નહીં. અકસ્માતો અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પોલીસે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો :Rule Change:LPG, આધાર, પગારથી લઈને વાહનો સુધી: 1 જાન્યુઆરી 2026થી બદલાશે 9 મોટા નિયમો, ખિસ્સા પર પડશે સીધી અસર