Bhupendra Patel :બાળકો સાથે બાળક બન્યા CM ભૂપેન્દ્ર પટેલ: અમદાવાદના ફન બ્લાસ્ટમાં ટોય ટ્રેનની સવારી, રમતમાં જોડાયા, ભૂલકાઓમાં ખુશી છવાઈ

0
145
Bhupendra Patel
Bhupendra Patel

Bhupendra Patel :રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બાળકો સાથે સમય વિતાવતા બાળક જેવા બની ગયા હતા. અમદાવાદના એસ.જી. હાઇ-વે પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આંગણવાડીના નાના બાળકો સાથે તેમણે મસ્તીભર્યો સમય વિતાવ્યો. મુખ્યમંત્રીએ બાળકો સાથે ટોય ટ્રેનમાં રાઈડ લીધી, તેમની કવિતાઓ અને બાળગીતો સાંભળ્યા તેમજ અંતે રમકડાં વહેંચીને બાળકોના ચહેરા પર હાસ્ય ખીલવ્યું.

Bhupendra Patel

Bhupendra Patel :CM પહોંચતા જ બાળકોએ બે હાથ ઊંચા કરી કર્યું સ્વાગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 27 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે ફન બ્લાસ્ટ ગેમ ઝોન પહોંચ્યા હતા. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતી વિવિધ વિધાનસભાઓના આંગણવાડીના બાળકો દર શનિવારે ફન બ્લાસ્ટ ખાતે મજા માણવા આવે છે. આજે આ નાના બાળકો સાથે સમય વિતાવવા માટે મુખ્યમંત્રી ખાસ હાજર રહ્યા હતા.

ફન બ્લાસ્ટ ખાતે પહોંચતાં જ બાળકોએ બે હાથ ઊંચા કરી ઉત્સાહભેર મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. સમગ્ર ગેમ ઝોનમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.

Bhupendra Patel :રમતમાં જોડાયા CM, અધિકારીઓ સાથે કરી હળવી મજાક

ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં જમ્પિંગ, નાની રમતો સહિતની અનેક પ્રવૃત્તિઓમાં મુખ્યમંત્રી બાળકો સાથે જોડાયા હતા. ક્યાંક ટ્રેનમાં બેસીને તેમણે બાળકની જેમ રમતનો આનંદ માણ્યો તો ક્યાંક અધિકારીઓ સાથે હળવી મજાક કરતા પણ નજરે પડ્યા હતા. બાળકો દ્વારા તૈયાર કરેલી કવિતાઓ અને બાળગીતો સાંભળતા CM મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

Bhupendra Patel

દર શનિવારે 4થી 5 બસોમાં આવે છે આંગણવાડીના બાળકો

ફન બ્લાસ્ટના સંચાલક મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળની તમામ વિધાનસભાઓના આંગણવાડીના બાળકો દર શનિવારે 4થી 5 બસોમાં ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે આવે છે.

અહીં બાળકોને સવારે 9 થી 11 વાગ્યા સુધી તમામ રાઈડમાં રમવાની તક આપવામાં આવે છે. રમતો સાથે બાળકોને નાસ્તો અને રમકડાં પણ આપવામાં આવે છે.

રમકડાં વહેંચીને CMએ બાળકોના ચહેરા પર હાસ્ય ખીલવ્યું

આજના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાતે બાળકોને રમકડાં વહેંચ્યા હતા. CMની સાથે સમય વિતાવીને અને રમકડાં મેળવીને બાળકો ખૂબ જ ખુશ થયા હતા. મુખ્યમંત્રીની આ મુલાકાતે ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.

આ પણ વાંચો :IPO news :2025માં IPO બજારે રચ્યો ઈતિહાસ: ₹2 લાખ કરોડથી વધુ ભંડોળ એકત્ર, 94% ફંડ મેઇનબોર્ડમાંથી