Liquor Made Easy in GIFT City:ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (GIFT City)માં દારૂ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ફેરફાર કર્યા છે. અત્યાર સુધી ગુજરાત બહારના પ્રવાસી અને વિદેશી નાગરિકોને દારૂ સેવન માટે કામચલાઉ પરમિટ લેવી ફરજિયાત હતી, પરંતુ હવે આ પ્રક્રિયા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. નવી નોટિફિકેશન મુજબ, આવા પ્રવાસીઓ હવે માત્ર માન્ય ઓળખપત્ર બતાવીને ગિફ્ટ સિટીની અધિકૃત હોટલ, ક્લબ અથવા રેસ્ટોરાંમાં દારૂ પી શકશે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય અને બિઝનેસ હબ તરીકે વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય રોકાણકારો, બિઝનેસ ડેલિગેટ્સ અને વિદેશી મહેમાનોને હવે પરમિટની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ મળશે.
Liquor Made Easy in GIFT City:મહેમાનો માટે ટેમ્પરરી પરમિટ ફરજિયાત
નવી જોગવાઈ મુજબ, ગિફ્ટ સિટીમાં કાર્યરત સંસ્થાઓ જો તેમના મહેમાનોને દારૂ પીવડાવવા માંગે તો સંસ્થા દ્વારા ટેમ્પરરી પરમિટ લેવામાં આવશે. આ દરમિયાન સંબંધિત કર્મચારી મહેમાનની સાથે હાજર રહેવું ફરજિયાત રહેશે.

Liquor Made Easy in GIFT City:છૂટછાટ સાથે કડક શરતો યથાવત
સરકારે સ્પષ્ટ કર્યું છે કે દારૂ સેવનની આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના સીમિત અને મંજૂર વિસ્તારમાં જ લાગુ પડશે. અહીંથી કોઈ પણ વ્યક્તિ દારૂની બોટલ અથવા જથ્થો ગિફ્ટ સિટીની બહાર કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં લઈ જઈ શકશે નહીં. નિયમોનો ભંગ કરનાર સામે ગુજરાતના કડક દારૂબંધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
Liquor Made Easy in GIFT City:લાઉન્જ, પુલ સાઈડ અને ટેરેસ પર પીવાની છૂટ
નવી નીતિ અનુસાર, ગિફ્ટ સિટીની મંજૂર હોટલોમાં લાઉન્જ, પુલ સાઈડ અને ટેરેસ જેવા નિર્ધારિત વિસ્તારોમાં પણ દારૂ સેવનની છૂટ આપવામાં આવી છે, જેનાથી હૉસ્પિટાલિટી સેક્ટરને મોટો લાભ મળવાની શક્યતા છે.

વૈશ્વિક બિઝનેસ માટે મજબૂત સંદેશ
બિઝનેસ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દુબઈ અને સિંગાપોર જેવા વૈશ્વિક નાણાકીય કેન્દ્રો સાથે સ્પર્ધા કરવા માટે આવી નીતિગત છૂટછાટ જરૂરી હતી. આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં કોર્પોરેટ ઇવેન્ટ્સ, આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને નાઇટ ઇકોનોમીને નોંધપાત્ર વેગ મળશે.
અમદાવાદમાં પણ મળી શકે તેવી છૂટછાટ
સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ પહેલા ગિફ્ટ સિટી જેવી છૂટછાટો અમદાવાદ શહેરમાં પણ આપવા અંગે વિચારણા ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય રમતોત્સવ દરમિયાન દેશ-વિદેશથી આવતા ખેલાડીઓ, અધિકારીઓ અને મહેમાનોની સુવિધા માટે આ નિર્ણય લેવાઈ શકે છે.
રાજ્ય સરકારના આ પગલાને ગુજરાતની આર્થિક અને વૈશ્વિક છબી મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યું છે.

