India New Zealand Free Trade:ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટેરિફ મુક્ત વેપાર સમજૂતી, કૃષિથી ટેક્સટાઈલ ઉદ્યોગને મોટો ફાયદો

0
121
India New
India New

India New Zealand Free Trade: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના આર્થિક સંબંધોમાં એક ઐતિહાસિક અધ્યાય ઉમેરાયો છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી મુક્ત વેપાર સમજૂતી (Free Trade Agreement – FTA) અંગેની ચર્ચાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. આ સમજૂતી અંતર્ગત ન્યૂઝીલેન્ડે તેની 100 ટકા ટેરિફ લાઇન પર કર દૂર કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ભારતીય નિકાસકારોને ન્યૂઝીલેન્ડના બજારમાં શૂન્ય ડ્યુટી સાથે સીધો પ્રવેશ મળશે.

India New Zealand Free Trade

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને સોમવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ FTA બાદ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણના નવા અવસર સર્જાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી વાતચીત બાદ તેમણે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, “ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનો લાભ હવે કીવી વ્યવસાયોને મળશે અને 1.4 અબજ ભારતીય ગ્રાહકો સુધી તેમની પહોંચ વધશે.”

India New Zealand Free Trade :ન્યૂઝીલેન્ડની નિકાસમાં થશે મોટો વધારો

અંદાજ મુજબ, આગામી બે દાયકામાં ન્યૂઝીલેન્ડની ભારત તરફની નિકાસ વાર્ષિક 1.1 બિલિયન ડોલરથી વધીને 1.3 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. આ સમજૂતી ન્યૂઝીલેન્ડના કૃષિ અને કાચા માલ આધારિત ઉદ્યોગોને ભારતના વિશાળ બજાર સાથે વધુ મજબૂતીથી જોડશે.

India New Zealand Free Trade

70 ટકા ટેરિફ લાઇન પર ભારતની છૂટછાટ

આ મહત્ત્વપૂર્ણ સમજૂતીની ઔપચારિક શરૂઆત 16 માર્ચ, 2025ના રોજ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના વ્યાપાર મંત્રી ટોડ મેક્લે વચ્ચે થયેલી બેઠકથી થઈ હતી. માત્ર પાંચ રાઉન્ડની ઔપચારિક ચર્ચા અને અનેક વર્ચ્યુઅલ બેઠકો બાદ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત ભારતે પણ ઉદારતા દાખવી ન્યૂઝીલેન્ડ માટે 70 ટકા ટેરિફ લાઇન પર છૂટછાટ આપવાની ઓફર કરી છે.

ઊંચા આયાત ટેક્સમાંથી મળશે રાહત

હાલમાં ભારત તરફથી ન્યૂઝીલેન્ડ પર સરેરાશ આયાત ટેક્સ 17.8 ટકા જેટલો ઊંચો છે, જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી ભારત પર સરેરાશ ટેક્સ માત્ર 2.3 ટકા છે. આ સમજૂતી બાદ ભારતનો ઊંચો આયાત ટેક્સ ઘટશે, જેનાથી બંને દેશોના વેપારીઓને સીધો લાભ મળશે. નાણાકીય વર્ષ 2024–25 દરમિયાન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કુલ 1.3 બિલિયન ડોલરનો વેપાર નોંધાયો હતો, જેમાં ભારતે 711.1 મિલિયન ડોલરની નિકાસ કરી હતી.

India New Zealand Free Trade

કૃષિથી ટેક્સટાઈલ સુધી વ્યાપક લાભ

વ્યાપારિક દ્રષ્ટિએ ભારત ન્યૂઝીલેન્ડને મુખ્યત્વે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF), ટેક્સટાઈલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મશીનરીની નિકાસ કરે છે. ખાસ કરીને કાપડ અને ATF ઉદ્યોગને આ સમજૂતીથી મોટો ફાયદો થવાની સંભાવના છે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડથી ભારતમાં લાકડાની વસ્તુઓ, લાકડાનો પલ્પ, સ્ટીલ સ્ક્રેપ, એલ્યુમિનિયમ સ્ક્રેપ અને કૃષિ આધારિત ઉત્પાદનોની આયાત થાય છે.

ઈન્ડો-પેસિફિકમાં ભારતની વ્યૂહાત્મક મજબૂતી

આ મુક્ત વેપાર સમજૂતી માત્ર આર્થિક લાભ પૂરતી સીમિત નથી, પરંતુ તે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિને પણ વધુ મજબૂત બનાવશે. નિષ્ણાતો માને છે કે આ કરાર બંને દેશોની મજબૂત મિત્રતાનું પ્રતીક છે અને આગામી વર્ષોમાં દ્વિપક્ષીય વેપારને નવી ઊંચાઈ પર લઈ જશે.

આ પણ વાંચો :Morbi news:રશિયા–યુક્રેન યુદ્ધમાં ફસાયો ગુજરાતી યુવક, માતાને વીડિયો મોકલી કરી મદદની અપીલ