Morbi news: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ગુજરાતના મોરબી જિલ્લાના એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. યુક્રેનમાંથી મોકલાયેલા આ વીડિયોમાં યુવકે દાવો કર્યો છે કે તે રશિયામાં ભણવા ગયો હતો, પરંતુ ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવીને તેને જબરદસ્તી રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યો અને યુદ્ધ વિસ્તારમાં મોકલી દેવામાં આવ્યો. હાલ તે યુક્રેનની કસ્ટડીમાં હોવાનું જણાવે છે.

આ યુવકની ઓળખ સાહિલ મોહમ્મદ હુસૈન તરીકે થઈ છે. સાહિલે પોતાના બીજા વીડિયોમાં પોતાની માતાને આપવીતી સંભળાવતા કહ્યું છે કે, “હું યુક્રેનની જેલમાં ફસાયો છું. રશિયામાં મારી સાથે દગો થયો છે અને હવે આગળ શું થશે એની મને કોઈ ખબર નથી.”
Morbi news:ભણવા ગયો, યુદ્ધમાં ધકેલાયો

સાહિલે જણાવ્યું કે તે રશિયામાં અભ્યાસ કરવા ગયો હતો અને સાથે એક કુરિયર કંપનીમાં પાર્ટ-ટાઈમ નોકરી કરતો હતો. આ દરમિયાન રશિયન પોલીસે તેને અટકાવી ખોટા ડ્રગ્સ સ્મગલિંગના કેસમાં ફસાવી દીધો. પોતાના દસ્તાવેજો બતાવવા છતાં પોલીસે તેને મુક્તિ આપવા બદલ રશિયન સેનામાં જોડાવાની શરત મૂકી હતી.
મજબૂરીમાં સાહિલે રશિયન સેનાનો કરાર સ્વીકારવો પડ્યો. આશરે 15 દિવસની તાલીમ બાદ તેને યુક્રેન બોર્ડર પર મોકલી દેવામાં આવ્યો હોવાનું તેણે વીડિયોમાં જણાવ્યું છે.
Morbi news:યુક્રેનની સેનાને કર્યું સરેન્ડર
યુક્રેન બોર્ડર પર પહોંચતા જ સાહિલે યુક્રેનની સેનાની સામે આત્મસમર્પણ કર્યું હતું. તેણે પોતાની સમગ્ર આપવીતી યુક્રેનિયન સૈનિકોને સંભળાવી હતી. ત્યારબાદ યુક્રેનની સેનાએ તેને વીડિયો બનાવી ભારત સરકાર અને તેના પરિવાર સુધી પહોંચાડવાની મંજૂરી આપી હોવાનું જણાવાયું છે.
આ વીડિયોમાં સાહિલે તમામ ભારતીયોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ સંજોગોમાં રશિયન સેનામાં જોડાવાનું જોખમ ન લે. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકાર પાસે પોતાની સુરક્ષિત વાપસી માટે મદદની માંગ પણ કરી છે.

માતાએ અદાલતમાં અરજી કરી
સાહિલનો વીડિયો મળ્યા બાદ તેની માતાએ પુત્રની સલામત વાપસી માટે દિલ્હીની એક અદાલતમાં અરજી દાખલ કરી છે. આ મામલે ફેબ્રુઆરી 2026માં સુનાવણી થવાની છે. બીજી તરફ, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું છે કે વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મુક્તિ માટે સરકાર પ્રયાસ કરી રહી છે.
ભારતીયો માટે ચેતવણીરૂપ ઘટના
મોરબીના યુવકની આ આપવીતી રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીયો માટે ગંભીર ચેતવણીરૂપ માનવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યો છે કે વિદેશમાં ભણવા કે કામ કરવા જતા યુવાનો કેટલી મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ શકે છે.




