Ahmedabad news: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં હાઈવે પર ગુનાખોરી બેફામ બની રહી હોય તેમ વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. બગોદરા-વટામણ હાઈવે પર ગત રાત્રે વડોદરાથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલા દંપતીને બે અજાણ્યા લૂંટારૂઓએ નિશાન બનાવી હુમલો કર્યો હતો અને કાર, મોબાઈલ ફોન તથા રોકડ રકમ ઝૂંટવી લઈને ફરાર થઈ ગયા હતા.

Ahmedabad news: બગોદરા-વટામણ હાઈવે પર ગુનાખોરી બેફામ
મળતી માહિતી અનુસાર, જય પરમાર અને તેમની પત્ની વડોદરાથી પોતાના વતન સુરેન્દ્રનગર જઈ રહ્યા હતા. બગોદરાથી આશરે બે કિલોમીટર દૂર પહોંચતા જ હાઈવે પર બે અજાણ્યા શખસોએ તેમની કાર અટકાવી હતી. ત્યારબાદ દંપતી પર હુમલો કરી જય પરમારને માર માર્યો હતો. લૂંટારૂઓએ તેમની કાર સાથે બે મોબાઈલ ફોન અને અંદાજે 8 હજાર રૂપિયા રોકડ રકમ લૂંટી લીધી હતી.
હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા જય પરમારને તાત્કાલિક બગોદરા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમણે બગોદરા પોલીસ મથકે પહોંચીને ઘટનાની લેખિત ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસ શરૂ કરી
આ લૂંટની ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. DYSP આસ્થા રાણા, અમદાવાદ ગ્રામ્ય LCB અને બગોદરા પોલીસનો કાફલો પોલીસ મથકે દોડી આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે લૂંટારૂઓને ઝડપવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. હાઈવે પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે તેમજ સંભવિત દિશાઓમાં નાકાબંધી પણ કરવામાં આવી છે.
પોલીસનું માનવું છે કે લૂંટારૂઓ ચોરી કરેલી કાર લઈને કોઈ ચોક્કસ દિશામાં ફરાર થયા હોઈ શકે છે. હાલ સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવી છે અને આરોપીઓને ઝડપવાની કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો :ICC T20 World Cup 2026 :ફોર્મ નહીં, કેપ્ટનગિરી કામ આવી! સૂર્યકુમાર બચ્યો, ગિલ બહાર




