Grand Engagement Reception:અમદાવાદમાં ગુજરાતી સિંગર કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ બાદ ભવ્ય રિસેપ્શન યોજાયું હતું. 20 ડિસેમ્બરે અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી YMCA ક્લબ ખાતે યોજાયેલા આ ગ્રાન્ડ રિસેપ્શનમાં ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતના અનેક જાણીતા સેલિબ્રિટીઓએ હાજરી આપી કપલને શુભેચ્છાઓ પાઠવી હતી.

રિસેપ્શન દરમિયાન કિંજલ દવે લાલ રંગની સાડીમાં અત્યંત સુંદર લાગી રહી હતી, જ્યારે ધ્રુવીન શાહે પણ ભવ્ય અંદાજમાં એન્ટ્રી કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સમગ્ર માહોલ ઉત્સવી અને આનંદમય જોવા મળ્યો હતો.
Grand Engagement Reception:ગુજરાતી કલાકારોનો જમાવડો

આ પ્રસંગ માત્ર પારિવારિક સમારોહ ન રહી, પરંતુ ગુજરાતી મનોરંજન જગતનું એક મોટું સ્નેહમિલન બની ગયું હતું. રિસેપ્શનમાં ગીતા રબારી, વિક્રમ ઠાકોર, રાકેશ બારોટ, જીગ્નેશ બારોટ, ઉર્વશી રાદડિયા, અલ્પા પટેલ, કાજલ મહેરિયા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર, તત્સત-આરોહી, કુશલ મિસ્ત્રી, ખજૂરભાઈ (નિતિન જાની), તરુણ જાની, તેમજ ‘લાલો’ ફિલ્મની ટીમ અને ‘પરમ મિત્ર’ ટીમના જતીન-પાર્થ સહિતના કલાકારો હાજર રહ્યા હતા.
Grand Engagement Reception:ખજૂરભાઈ સહિતના સેલિબ્રિટીઓએ મન મૂકીને ગરબા કર્યા

રિસેપ્શનના અંતે કિંજલ દવે, ધ્રુવીન શાહ અને હાજર તમામ સેલિબ્રિટીઓએ મન મૂકીને ગરબા કર્યા હતા. ગુજરાતી સંગીતના સૂર અને તાલે આખી સાંજ ઝૂમી ઉઠી હતી અને મહેફિલમાં ખાસ રોનક જોવા મળી હતી.
વિવાદોની વચ્ચે ખુશીનો અવસર
ઉલ્લેખનીય છે કે કિંજલ દવેની સગાઈ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બની હતી. અગાઉ સામાજિક કારણોસર ઉદભવેલા કેટલાક વિવાદો અને વિરોધને કારણે આ મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો હતો. જોકે, આ તમામ વાતોને બાજુ પર રાખીને કિંજલ અને તેના પરિવારે આ ખુશીના અવસરને ધામધૂમથી ઉજવ્યો હતો. ચાહકોનો મોટો વર્ગ કિંજલના નવા જીવનના પ્રારંભને ખુલ્લા દિલથી આવકારી રહ્યો છે.
આ પણ વાંચો :Indian Railway Ticket Price :મોંઘવારીનો વધુ એક ઝટકો! 26 ડિસેમ્બરથી રેલવે ભાડામાં વધારો




