Bangladesh news:બાંગ્લાદેશમાં શેખ હસીનાના વિરોધ પક્ષના નેતા અને 2024ના વિદ્યાર્થી આંદોલનના અગ્રણી ચહેરા ઉસ્માન હાદીના અવસાન બાદ દેશ ફરી એકવાર હિંસાના વંટોળમાં ફસાઈ ગયો છે. ગુરુવારે રાત્રે સિંગાપોરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન હાદીનું મોત થતાં જ ઢાકા સહિત અનેક શહેરોમાં તણાવભર્યો માહોલ સર્જાયો.

Bangladesh news:શું છે સમગ્ર મામલો?
હાદીને 12 ડિસેમ્બરે ઢાકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન માથામાં ગોળી વાગી હતી. ગંભીર હાલતમાં તેમને પહેલા સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ સિંગાપોર ખસેડવામાં આવ્યા હતા. ઘણા દિવસોથી કોમામાં રહેલા હાદી ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યે મોતને ભેટ્યા. તેમના અવસાનની ખબર ફેલાતાં જ સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા અને પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું.
Bangladesh news:મીડિયા પર સીધો હુમલો
રિપોર્ટ અનુસાર, સૌથી પહેલો હુમલો બાંગ્લા ભાષાના અગ્રણી અખબાર ‘પ્રોથોમ આલો’ની ઓફિસ પર થયો. રાત્રે લગભગ 12 વાગ્યે ભીડ નારેબાજી કરતી ત્યાં પહોંચી અને ઓફિસમાં ઘુસીને ભારે તોડફોડ કરી. થોડી જ વારમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળે આગ લગાવી દેવામાં આવી. આ ઘટનાએ મીડિયામાં ભયનો માહોલ ફેલાવ્યો.

આ પછી થોડા સમયગાળામાં જ ‘ધ ડેઇલી સ્ટાર’ની ઓફિસને પણ નિશાન બનાવવામાં આવી. તે સમયે બિલ્ડિંગની અંદર 25 જેટલા પત્રકારો હાજર હતા. હુમલાખોરોએ આગ લગાવતા પહેલા તોડફોડ કરી અને પત્રકારોને બહાર નીકળવાની તક ન મળે તે રીતે ઘેરવાનો પ્રયાસ કર્યો. લાંબી મથામણ બાદ સવારે લગભગ 4 વાગ્યે તમામ પત્રકારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. કેટલાક સ્થળોએ પત્રકારોને માર માર્યાની અને જીવતા બાળી નાખવાની કોશિશ થયાની પણ માહિતી સામે આવી છે.
Bangladesh news:ઐતિહાસિક નિવાસસ્થાન પર તોડફોડ
હિંસા માત્ર મીડિયા સુધી સીમિત રહી નથી. પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને દેશના સ્થાપક શેખ મુજીબુર્રહમાનના નિવાસસ્થાનમાં પણ તોડફોડ કરી છે. શેખ મુજીબુર્રહમાન પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પિતા છે. નોંધનીય છે કે આ ઐતિહાસિક નિવાસસ્થાન પર ફેબ્રુઆરી અને ઓગસ્ટ 2024માં પણ હુમલા થઈ ચૂક્યા છે.
ઉસ્માન હાદીના મૃત્યુ પહેલા એક અન્ય મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. હુમલાના થોડા કલાકો પહેલા હાદીએ સોશિયલ મીડિયામાં ‘ગ્રેટર બાંગ્લાદેશ’નો નકશો શેર કર્યો હતો, જેમાં ભારતના ‘સેવન સિસ્ટર્સ’ વિસ્તારનો સમાવેશ બતાવવામાં આવ્યો હતો. આ પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને વિવાદ થયો હતો.

પરિસ્થિતિ બેકાબૂ બનતાં બાંગ્લાદેશના કાર્યકારી રાષ્ટ્રપતિ મુહમ્મદ યુનુસે ઢાકામાં ઉચ્ચ-સ્તરીય બેઠક બોલાવી છે. બેઠકમાં કાયદો-વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા અને હિંસા પર કાબૂ મેળવવા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
ભારતની એડવાઇઝરી
બીજી તરફ, બાંગ્લાદેશમાં વધતી અશાંતિને ધ્યાનમાં રાખીને ભારતે પણ સતર્કતા દાખવી છે. ઢાકામાં આવેલા ભારતીય હાઈ કમિશને એડવાઇઝરી જારી કરીને બાંગ્લાદેશમાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને અનાવશ્યક મુસાફરી ટાળવા અને શક્ય તેટલું ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.
હાદીના અવસાન બાદ બાંગ્લાદેશમાં રાજકીય તણાવ વધુ ઘેરો બન્યો છે. મીડિયા પર થયેલા હુમલાઓ અને ઐતિહાસિક સ્થળોને નિશાન બનાવવાથી દેશની સ્થિતિ વધુ ગંભીર બની છે અને સરકાર સામે કાયદો-વ્યવસ્થા જાળવવાનો મોટો પડકાર ઉભો થયો છે.




