Chiloda Police:દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આવા સમયમાં ગાંધીનગર ચિલોડા પોલીસે સંવેદનશીલ ચેકિંગ દરમ્યાન બે શખ્સને ગેરકાયદે હથિયારો સાથે પકડી પાડ્યા છે. ચંદ્રાલા ગામની સીમ પાસે આગમન હોટલ સામે નેશનલ હાઈવે પર ચાલી રહેલી વાહન ચેકિંગ કામગીરી દરમિયાન આ કાર્યવાહી થઈ હતી.

Chiloda Police:ચિલોડા પોલીસ દ્વારા હિંમતનગર તરફથી અમદાવાદ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ (નંબર GJ 18H 6100)ને રોકી મુસાફરોની તલાશી લેવામાં આવી. બસ કાનપુરથી અમદાવાદ આવી રહી હતી. તલાશી દરમિયાન પાછળની સ્લીપિંગ સીટ પર બેઠેલા બે શખ્સની શંકાસ્પદ વર્તણૂકને આધારે તેમની બેગની તપાસ કરવામાં આવી.
Chiloda Police: સ્વ બચાવ માટે’ લાવ્યાનો દાવો
તપાસમાં બંને શખ્સ પાસેથી એક પિસ્તોલ, એક દેશી તમંચો અને 10 નંગ જીવતાં કારતૂસ મળી આવ્યા. સાથે જ બે મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 54,570નો મુદ્દામાલ પોલીસએ જપ્ત કર્યો. આરોપીઓની ઓળખ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા મોહસીન શાહબુદીન શેખ (ઉં.વ. 22) અને સોહીલ ઉર્ફે કુકડો અજીમ શેખ (ઉં.વ. 23) તરીકે કરવામાં આવી છે.
પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓ હથિયારો ક્યાંથી લાવ્યા અને તેનો હેતુ શું હતો તે અંગે સંતોષકારક માહિતી આપી શક્યા નહોતા. દિલ્હી બ્લાસ્ટ પછી સુરક્ષા દૃષ્ટિએ રાજ્ય પહેલેથી જ સતર્ક છે, તેથી આ હથિયારોની જપ્તી બાદ સુરક્ષા તંત્ર વધુ સક્રિય બન્યું છે.

Chiloda Police:રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના આદેશ અનુસાર તમામ નાકા પોઇન્ટ્સ પર કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને તેની જ કામગીરી દરમિયાન આ ઝડપ થઈ. ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જે. ચૌહાણે જણાવ્યું કે આરોપીઓ સામે મારામારી અને પ્રોવિઝનના અગાઉના ગુનાઓ પણ નોંધાયેલ છે. હાલમાં બંને શખ્સના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આરોપીઓએ તપાસમાં હથિયાર ‘સ્વ બચાવ માટે’ લાવ્યાનો દાવો કર્યો હતો, પરંતુ પોલીસ તેમના આ દાવાને વિશ્વસનીય માનતી નથી અને વધુ તપાસ ચાલુ છે.




