Accident: ઘોડા દૌડી ગયા પછી તબેલાને તાળા મારવાથી કઈના વળે- આ વાત સામાન્ય પ્રજાને સમજાય છે પણ કુંભકર્ણની જેમ નિદ્રામાં સૂતેલી આ સરકારને નથી સમજાતું. ‘પાડાના વાંકે પખાલીને ડામ’ આ કહેવત હવે ગુજરાત સરકાર પર બંધબેસતી જોવા મળી રહી છે, સરકારની બેદરકારીના કારણે ગુજરાતની પ્રજા પોતાના પ્રિયજનોને ગુમાવી રહ્યા છે, પછી તે મોરબીકાંડ હોય, બોટકાંડ હોય કે પછી રાજકોટ અગ્નિકાંડ. સરકારની બેદરકારીના કારણે પરિવાર સાથે બહાર ફરવા જવું હવે કોઈ જોખમથી ઓછું રહ્યું નથી. ગુજરાત હાઇકોર્ટને પણ આખરે કહેવું પડ્યું કે અમને હવે સરકાર પર ભરોષો નથી. લોકોમાં હવે આક્રંદ અને આક્રોશ બંને જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં બનેલી અનેક ઘટનાઓમાં ફક્ત આગની ઘટના પર નજર નાખીએ તો અનેક લોકોએ પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે.
ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓ
દુર્ઘટના | તારીખ | મૃત્યુઆંક |
સૂરસાગર તળાવ દુર્ઘટના, વડોદરા | 11મી ઑગસ્ટ, 1993 | 22 |
તક્ષશિલાકાંડ , સુરત | 24 મે, 2019 | 22 |
શ્રેય હોસ્પિટલ, અમદાવાદ | 06 ઓગસ્ટ, 2020 | 8 |
પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલ, ભરૂચ | 01 મે, 2021 | 18 |
ઝૂલતો પુલ દુર્ઘટના, મોરબી | 30 ઓક્ટોબર, 2022 | 135 |
હરણી બોટ દુર્ઘટના, વડોદરા | 18 જાન્યુઆરી, 2023 | 18 |
TRP અગ્નિકાંડ, રાજકોટ | 25 મે, 2024 | 27 |
ગુજરાતમાં આગની ઘટનાઓમાં સતત વધારો થયો છે. તાજેતરમાં જ સામે આવેલા NCRBના આંકડા પણ ચોંકાવનારા છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ ગુજરાત સરકારને સવાલો કરીને ઘેરી છે. ગુજરાતમાં NCRBના આંકડા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં આગથી તાંડવ મચ્યુ છે, પાંચ વર્ષમાં લગભગ 31થી વધુ આગની ઘટનાઓ ઘટી છે જેમાં 3 હજારથી વધુ લોકો ભૂંજાયા હોવાની માહિતી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનમાં અચાનક લાગેલી આગમાં અત્યાર સુધી 28થી વધુ લોકોના મોત થયા છે, આ ઘટનામાં 6 લોકો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે.
ટીઆરબી ગેમ ઝૉનના અગ્નિકાંડના પડઘા ગુજરાત બહાર પણ પડ્યા છે. આ ઘટનાને લઇને રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. હાલમાં જ ગુજરાત કોંગ્રેસે સરકારને આ મામલે ઘેરી છે. ગુજરાત કોંગ્રેસે સરકાર સામે અગ્નિકાંડ અને સુરક્ષાના મુદ્દે સવાલો કર્યા છે. NCRBના તાજા આંકડા પ્રમાણે, છેલ્લા પાંચ વર્ષમાં આગથી થતાં અકસ્માતમાં 3176 લોકોના મોત થયા છે.
સૂરસાગર તળાવ દુર્ઘટના | 11 ઑગસ્ટ-1993
વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશને સપ્ટેમ્બર-1992માં સૂરસાગર તળાવમાં નાગરિકો માટે બોટરાઇડની સેવાનો કૉન્ટ્રેક્ટ ખાનગી પેઢીને આપ્યો હતો. કરાર પ્રમાણે, કૉન્ટ્રેક્ટરે બોટ ક્લબમાં આવનારા લોકોનો વીમો લેવાનો હતો અને કૉર્પોરેશન તેની ઉપર દેખરેખ રાખવાનું હતું.
તા. 11મી ઑગસ્ટ 1993ના દિવસે જન્માષ્ટમીનો તહેવાર હતો, જેથી કરીને સૂરસાગર તળાવ ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સમયે કૉન્ટ્રેક્ટરે 20 લોકોની બેઠકક્ષમતાવાળી બોટમાં 38 લોકોને બેસાડ્યા હતા. આના કારણે બોટ પલટી ખાઈ ગઈ હતી અને 22 લોકોનાં મૃત્યુ થયાં હતાં
Fire Accident : એક રીપોર્ટ અનુસાર ગુજરાતમાં 5 વર્ષમાં અનેક લોકોના મોત
ગુજરાતની પ્રજાએ તક્ષશિલા કાંડ સુરતથી TRP ગેમિંગ ઝોન રાજકોટ સુધી અનેકવાર ગંભીર અકસ્માત જોયા છે અને અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. તંત્ર ક્યાં સુધી આંખ આડા કાન કરશે? ક્યાં સુધી આમ ને આમ નિર્દોષો ના જીવ જશે? શું તંત્ર ને જવાબદારીનું ભાન થશે અને યોગ્ય કાર્યવાહી કરશે ખરા? ત્યારે નજર કરીએ ગુજરાતમાં બનેલી ગોઝારીઓ ઘટના વિશે…
તક્ષશિલાકાંડ , સુરત | 24 મે-2019
ધૂમાડાએ અમારો શ્વાસ રૂંધી નાખ્યો, જીવતા સળગાવનારને પ્રમોશન પણ મળી ગયા! બોલો ક્યાં છે ન્યાય?, ભ્રષ્ટાચારીઓ સામે કોણ અવાજ ઉઠાવશે?
અમને મોતના મુખમાં ધકેલનારને સજા ક્યારે થશે?” સુરતમાં તક્ષશિલા બિલ્ડીંગ પાસેથી પસાર થાઓ તો તમને અહીં અગ્નીકાંડમાં મૃત્યુ પામેલા નાના બાળકોના ફોટોઝ સાથે આવા કેટલાક સવાલો વાંચવા મળે છે. તે જોઈને બે ઘડી એમ થાય કે કદાચ આ એ જ સવાલો છે જે તેમના મૃત્યુ પછી પણ ચીસો પાડીને આપણને પુછતા હશે.
આ ઘટનાને ભલે વર્ષો વીતી ગયા હોય પણ આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર બાળકોના માતા-પિતા એ દિવસને ક્યારેય ભૂલી શકતા નથી. દર મહિને તક્ષશિલા બિલ્ડિંગની બહાર જઈને પોતપોતાના બાળકોને શ્રદ્ધાંજલિ આપે છે અને સંતાનની યાદમાં તેમની આંખો આજે પણ ભીંજાય છે.
સુરતમાં આવેલા સરથાણા વિસ્તારમાં કોચિંગ સેન્ટરમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 22 વિદ્યાર્થીના મોત થયા હતા, જ્યારે અનેક ઘાયલ થયા હતા. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમ બાળકો ગુમાવનારા માવતર આજે પણ દરેક ક્ષણે આંસુ લૂછી રહ્યા છે. આ આખા અગ્નિકાંડમાં હજુ પણ વાલીઓને ન્યાય મળ્યો નથી. પાંચ-પાંચ વર્ષ વીતી ગયાં હોવા છતાં આરોપીઓનો વાળ પણ વાંકો થયો નથી. કેસની ન્યાયિક કાર્યવાહી હજી ચાલી રહી છે. આ કેસના 14 આરોપી પણ જામીન પર જેલમુક્ત થઈ ગયા છે.
24 મે, 2019ના દિવસે તક્ષશિલા બિલ્ડિંગની પાછળના ભાગમાં સ્પ્લિટ એરકન્ડિશનરના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગની શરૂઆત થઈ હતી. જાહેરાત માટે લગાડવામાં આવેલી વિશાળ પેનલ આ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ દરમિયાન નીચેની આગ મીટરરૂમ સુધી પહોંચી ગઈ હતી અને તે સળગી ઊઠ્યો હતો. એક સાથે 22 માસૂમ બાળક આગની ઝપેટમાં આવી જતા મૃત્યુ નિપજ્યા હતા આ કોચિંગ સેન્ટર તક્ષશિલા કોમ્પ્લેક્સના ત્રીજા અને ચોથા માળે આવેલું હતું. તેમાં મોટાભાગના સ્કુલમાં ભણતા અને ટ્યુશનમાં આવેલા બાળકો હતા. તમામ વિદ્યાર્થીઓના મોત ગૂંગળામણને કારણે અને કોમ્પ્લેક્સમાંથી આગથી બચવા કૂદ્યા હોવાના કારણે થયા હતા. આગ લાગી ત્યારે બાળકો પોતાને બચાવવા માટે બારીમાંથી કૂદતા પણ દેખાયા હતા, જે ખૂબ જ ભયાનક દ્રશ્યો હતા. જે આજે પણ ભૂલાય તેમ નથી.
નોંધપાત્ર બાબત એ છે કે આ કોચિંગ ક્લાસ શોપિંગ કૉમ્પ્લેક્સના સૌથી ઉપરના માળે ગેરકાયદેસર રીતે ઊભા કરેલાં માળખાંમાં ચલાવવામાં આવતા હતા.
જો કે તક્ષશિલા કાંડ બાદ પણ સુરતનું તંત્ર સુધર્યું નથી. સુરતમાં ચાલતી 214 શાળાના ભવન પૈકી 181 પાસે NOC ફાયર નથી, જયારે તંત્ર ખાનગી શાળાને ફાયર NOC વગર માન્યતા આપતી જ નથી
શ્રેય હોસ્પિટલ, અમદાવાદ | 06 ઓગસ્ટ-2020
શ્રેય હોસ્પિટલમાં ખેલાયેલા આગકાંડમાં કોરોનાના 8 દર્દી જીવતા ભૂંજાયા હતા. મૃતકોના સ્વજનો એ વાતનું દુ:ખ અને વસવસો રહ્યો કે, કોરોનાથી નહિ, પણ આગથી તેઓએ પોતાના સ્વજન ગુમાવ્યા. કેટલાક કોરોના દર્દીને થોડા દિવસમાં જ ડીસ્ચાર્જ કરવાના હતા. પરંતુ તે સજા થઈને ઘરે પહોચે તે પહેલા આજ્ઞા ધૂમાડાએ તેમના શ્વાસ થંભી દીધા… દર્દીઓ અંહી ગૂંગળાઇને મોતને ભેટ્યા.
શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગથી કોરોનાના 8 દર્દીના મોત થયા હતા. અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ઓગસ્ટ ૨૦૨૦માં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા આઠ દર્દીઓના મોત નીપજ્યા હતા. આ કેસમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હતી. ઓક્સીજન સિલીન્ડરના કારણે આગે ભયાવહ રૂપ ધારણ કર્યું હતું.
શ્રેય હોસ્પિટલમાં દીવાલો ફિટ કરવાથી આગનો ધુમાડો બહાર નીકળી શક્યો ન હતો. ઉપરાંત ફાયર એલાર્મ પણ ન હોવાથી આગના કારણે લોકોના જીવ ગયા હોવાનું સામે આવ્યું
આગના કારણે કોરોનાની સારવાર લઇ રહેલા આઠ દર્દીઓના મરણ થયા હતા અને અનેક લોકોને ઇજાઓ પહોંચી હતી. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગી ત્યારે બહાર જાય તેવી કોઈ જ વ્યવસ્થા નહોતી. બારીઓ પણ સ્ક્રૂ મારીને બંધ કરી દેવામાં આવી હતી જેથી આગ હોસ્પિટલની અંદર જ રહી. તેમજ ICUમાં પણ સ્મોક-ડિટેક્ટર હતા નહીં કે નહોતા ફાયર એલાર્મ તેમજ ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ પણ આપવામાં નહોતી આવી.
કોરોનાકાળમાં સારવાર લઈ રહેલા દર્દીઓનાં આગની ઘટનામાં મૃત્યુ થતાં સમગ્ર ઘટનાની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ હતી.
આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલા દર્દીઓના સ્વજનોએ પણ તંત્ર અને હૉસ્પિટલના મૅનેજમૅન્ટ પર ‘બેદરકારી’નો આરોપ લગાવ્યો હતો.
પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલ, ભરૂચ | 01 મે-2021
ભરૂચની જંબુસર ચોકડી નજીક આવેલી પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી. 16 દર્દીઓ સહિત 18 લોકોના મોત થયા હતા.
ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં 01 મે-2021ના રોજ 12.30 વાગ્યે આગ ફાટી નીકળતા 16 કોરોના દર્દી અને 2 નર્સ સહિત 18 લોકોના મોત નિપજ્યાં હતા. કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં 14 દર્દી વેન્ટિલેટર પર હતા અને 2 દર્દી બાઇપેપ પર હતા. રાત્રે 12.30 વાગ્યે 5 નંબરના બેડ પાસેના વેન્ટિલેટરમાં સ્પાર્ક સાથે આગ ફાટી નીકળી હતી. ભરૂચ ખાતે જંબુસર બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલફેર હોસ્પિટલના કોરોના કેર વોર્ડમાં પહેલી મે-2021માં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં આઈસીયુ વોર્ડ સુધી આગની લપેટો પહોંચી ગઈ હતી અને હોસ્પિટલ પરિસરમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. દુર્ઘટના અંગે જાણ થતા જ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું પરંતુ સમગ્ર દુર્ઘટનામાં 16 દર્દીઓ, સ્ટાફના 2 કર્મી સહિત 18 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
બોમ્બે પટેલ વેલફેર હોસ્પિટલનના સંચાલકોએ તંત્રની પૂર્વ મંજૂરી અને બી. યુ. સર્ટિફિકેટ વગર નવા બિલ્ડીંગમાં હોસ્પિટલ શરૂ કરી હતી. તેમજ ફાયર સેફ્ટી અંગેના કોઈ પણ પગલા લેવાયા ન હતા. જેના પગલે હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા 18 લોકોના કરૂણ મોત થયા હતા.
જો કે આટલી આટલી ભયાવહ ઘટનાઓ ઘટિત થાય બાદ પણ હજુ અમદાવાદ સહિત ગુજરાતમાં એવી ઘણી હૉસ્પિટલો છે, જે ફાયર એનઓસી મામલે દુર્લક્ષ સેવે છે.
હરણી બોટ દુર્ઘટના, વડોદરા | 18 જાન્યુઆરી 2024
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. શિક્ષિકાએ પણ વધુ બાળકોને બોટમાં બેસતાં અટકાવ્યા નહોતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો.
બે મોટી ભૂલોને કારણે બોટ ટ્રેજેડી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પહેલી વાત એ કે લાઈફ જેકેટ વગર બાળકોને બોટમાં બેસાડાયા હતા.
તપાસમાં સામે આવ્યુ હતું કે, એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું. નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી. જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં દસ બાળકોને બેસાડવામાં આવ્યા હતા. આગળના ભાગે બાળકો બેસાડ્યા હતા જેથી ટર્ન લેતી વખતે બોટ પલટી ખાઇ ગઇ હતી.
બાળકોને હરણી તળાવમાં જ્યારે બોટમાં બેસાડવામાં આવ્યાં હતાં ત્યારે તેમને લાઇફ સેવિંગ જેકેટ પણ પહેરાવવામાં આવ્યાં ન હતાં. જેના કારણે બોટ પાણીમાં ડૂબી ત્યારે 12 બાળકોને બચાવી શકાયાં ન હતાં. જે બાળકો બચી ગયેલા હતા, તે ખૂબ જ ગભરાયેલા હતા, અને ઠંડીથી ધ્રુજતા હતા. મમ્મી… મમ્મી …તેવું કહેવાની સાથે સાથે અમારા ટીચરને બહાર કાઢો…. બહેનોને બહાર કાઢો…તેવી બૂમો પાડતા રહ્યા હતા.
બોટની ક્ષમતા કરતા વધુ વજન થતા દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી હતી. જેમાં 14 લોકોની ક્ષમતા ધરાવતી બોટમાં કુલ 31 લોકોને બેસાડવામાં આવ્યા હતા. 31 લોકોમાં 23 બાળકો, 4 શિક્ષકો અને 4 શાળા સ્ટાફના લોકો હતા.
આ કેસમાં 2700 પાનાંની ચાર્જશીટ વડોદરાની કોર્ટમાં રજૂ કરાઈ હતી. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા હતા. વડોદરામાં કરૂણ ઘટના મુદ્દે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે બે ડઝન વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો પિકનિક મનાવી રહ્યા હતા અને હરણી તળાવમાં બોટની સવારી કરી રહ્યા હતા.
PPP ધોરણે કોટિયા પ્રોજેક્ટને હરણી તળાવની જવાબદારી સોંપાવામાં આવી હતી. 2017માં કોટિયા પ્રોજેક્ટને હરણી તળાવના મેઇન્ટેનન્સ, બેંકવેટ હોલ, બોટિંગ વગેરેની જવાબદારી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ પર આપવામાં આવી હતી. સંચાલકો દ્વારા ઘટનાસ્થળે કોઈ ભયસૂચક સૂચના કે સેફ્ટીની તકેદારી રાખવાની તસ્દી પણ રાખવા આવી નહોતી.
ઝૂલતો પુલ દુર્ઘટના, મોરબી | 30 ઓક્ટોબર 2022
મોરબીની મચ્છુ નદી પર ઝૂલતો પુલ રજવાડાના સમયમાં પ્રજાવાત્સ્લ્ય રાજા સર વાઘજી ઠાકોર દ્વારા 19મી સદીમાં એટલે કે વર્ષ 1880માં બનાવાયો હતો. લાંબા સમયથી સમારકામ બાદ 26 ઓક્ટોબર 2022 ના રોજ આ પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો, તે પણ તંત્રની પરવાનગી વિના…
દિવાળી વેકેશન હતું અને લોકો નવો નવો ખુલ્લો મુકેલો ઝૂલતો પુલ જોવા લાઈનમાં લાગ્યા હતા. 30 ઓક્ટોબરના રોજ મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. કોને ખબર હતી કે એક પુલ થોડી જ સેકન્ડમાં એવી રીતે તૂટી જશે કે લોકોની ખુશી માતમમાં બદલાઈ જશે.
મોરબી શહેરમાં એ ગોઝારી સાંજે બનેલી ભયાનક ઘટના છેલ્લા ઘણા વર્ષોમાં ભારતમાં બનેલી સૌથી ખરાબ દુર્ઘટમાંથી એક છે. તેમાં 135 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો હતા. 137 વર્ષ જૂનો ઝૂલતો પુલ માત્ર પાંચ દિવસ પહેલા સમારકામ બાદ ફરીથી ખુલ્લો મુકાયો હતો.
મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતાં નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા લોકોમાં ત્રીજા ભાગથી વધુ બાળકો હતાં. તેમાં કેટલાંક તો માત્ર બે વર્ષનાં હતાં. રજાનો દિવસ અને દિવાળી વૅકેશનનો છેલ્લો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો પુલ પર ઊમટી પડ્યા હતા.
બચાવ કામગીરીમાં જોડાયેલા એવા એક વ્યક્તિએ કહ્યું હતું કે તેમણે નદીમાંથી કેટલાં નાનાં બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા તેની ગણતરી કરવાનું જ તેઓ ભૂલી ગયા. આ અકસ્માત ભારતની સૌથી ‘વરવી દુર્ઘટના’ પૈકી એક છે, કારણ કે ઝૂલતો પુલ સમારકામ બાદ માત્ર પાંચ દિવસ પહેલાં જ ફરી ચાલુ કરવામાં આવ્યો હતો.
2008થી પુલ જાળવણી અને સંચાલન માટે ઓરેવા ગ્રૂપને સોંપી દેવાયો હતો. 26 ઑક્ટોબરના રોજ સમારકામ બાદ તેને ગુજરાતી નવા વર્ષના દિવસે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઓરેવાને પુલને ફરીથી ખોલવા માટે સેફ્ટી સર્ટિફિકેટ પણ મળ્યું ન હતું.
TRP અગ્નિકાંડ, રાજકોટ | 25 મે-2024
વર્ષોથી ગેરકાયદેસર વીજ જોડાણ, આર.એમ.સી. ઉપરાંત ફાયર વિભાગની પરવાનગી વિના ધમધમતું ગેમ ઝોન… ના આને તો ડેથ ઝોન જ કહવું યોગ્ય છે કેમ કે, અગ્નિકાંડ માટે રચાયેલી સીટમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે, આ એજ જ, ટીઆરપી ગેમ ઝોન છે જેમાં 23 સપ્ટેમ્બર 2023 રોજ પણ લાગી હતી. આ આગને ફાયર વિભાગ દ્વારા છુપાવવામાં પણ આવી હતી અને આગ લાગ્યા બાદ પણ ફાયર વિભાગે જરા પણ તસ્દી લીધી નહિ કે કોઈ કાર્યવાહી કરીએ. આ ઉપરાંત આટલા મોટા ગેમ ઝોનમાં જે વીજ જોડાણ આપવામાં આવ્યું હતું તે પણ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું. હવે સવાલ એ થાય છે કે સામાન્ય પ્રજાએ જો એક આંકડી મારી હોય તો પણ વીજ વિભાગને ખબર પડી જાય છે તો આટલા મોટા ગેમ ઝોનની ખબર કેમ ના પડી.
નાના-મવા રોડ પર સ્થિત ગેમ ઝોનમાં આ દુર્ઘટના સર્જાઈ ત્યારે બાળકો સહિત ઘણા લોકો રમતનો આનંદ લઇ રહ્યા હતા. આ માસૂમ બાળકોના માતા-પિતાને ક્યાં ખબર હતી કે, આ બાળકોનું હાસ્ય એક જ ક્ષણમાં ખતમ થઈ જશે. ભીષણ આગે ટીઆરપી ગેમ ઝોનની બે માળની ઈમારતને પોતાની લપેટમાં લઈ લીધી. ઉનાળાની રજાઓ અને વીકએન્ડના ધસારાને કારણે બિલ્ડિંગમાં અંદાજે 300 લોકો હાજર હતા જેમાંથી વધુ પડતા બાળકો હતા. અત્યાર સુધી આ દુર્ઘટનામાં 12 બાળકો સહિત 27 લોકોના મોત થયા છે.
આ દુર્ઘટનામાં આગને કારણે મૃત્યુ પામેલા લોકોના શરીર એટલા બળી ગયા છે કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. તેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે રાજકોટ શહેરના ગેમ ઝોન અગ્નિકાંડને માનવ સર્જિત દુર્ઘટના ગણાવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 27 લોકોના મોત થયા છે. હાઇકોર્ટે આ અંગે સુઓમોટો અરજી દાખલ કરી છે.
NCRBના રીપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
ગુજરાતમાં આગની ઘટનાઓમાં વધારો થયો છે. ગુજરાત રાજ્યમાં આગથી થતાં અકસ્માતમાં થતા મૃત્યુના આંકડાઓ ચોંકાવનારા અને ચિંતાજનક છે. NCRB દ્વારા આગથી થતા અકસ્માતમાં વર્ષ 2018 થી 2022 દરમિયાન ગુજરાત રાજ્યમાં 3176 લોકોના મોત થયા છે. છેલ્લા 5 વર્ષમાં આગથી થતા અકસ્માતની 3100 ઘટનાઓ ઘટી છે. વર્ષ 2021 અને 2022 માં આગથી થતા અકસ્માતની 729 ઘટનાઓ ઘટી છે. આ બે વર્ષમાં આગથી થતા અકસ્માતમાં 737 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તક્ષશિલા કાંડ સુરતથી લઇને ટીઆરપી ગેમિંગ ઝૉન કાંડ સુધીની અનેકવાર ગંભીર આગના અકસ્માતની ઘટનાઓ ઘટી છે. આમાં કેટલાય લોકો આગમાં ભૂંજાયા છે, કેટલાય પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ કોઇ યોગ્ય કાર્યવાહી થઇ શકી નથી.
શહેરમાં જેટલી પણ આગની ઘટના બની છે તે તમામ બનાવમાં બિલ્ડિંગ સ્ટ્રકચરમાં ભૂલ, બી.યુ પરમિશન પણ નહીં અને ફાયર સેફ્ટીનો સદંતર અભાવ જોવા મળ્યો છે. ફાયર એનઓસી વગરની બિલ્ડિંગો સામે કડક કાર્યવાહી નહીં થવાને લીધે આવા દુ:ખદ બનાવો બન્યા છે. ખંડપીઠે હરણી બોટકાંડ અને મોરબી દુર્ઘટનાને પણ પોતાના ચુકાદામાં ટાંકયા છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો