Gujarat Politics: 7 માર્ચે બપોરે 2 વાગ્યે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઝાલોદથી ભારત જોડો ન્યાય યાત્રા સાથે ગુજરાતમાં પ્રવેશ કરશે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી આ પ્રથમ વખત બનશે જ્યારે રાહુલ ગાંધી ગુજરાતની શેરી સભાઓને સંબોધશે. આ બધા વચ્ચે રાહુલ ગાંધીની પદયાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા કોંગ્રેસની ‘ભાજપ જોડો યાત્રા‘ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતાઓ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. એવામાં એ જોવાનું રહ્યું કે ભાજપે કોંગ્રેસના જે દીગજ્જોને પોતાના ખેમામાં લીધા છે તેનાથી તેને કેટલો ફાયદો થશો…
કોંગ્રેસના એ સેનાપતિઓ જે ભાજપમાં જઈને સિપાહી બની ગયા છે તે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અને કોંગ્રેસ સંગઠનમાં વરિષ્ઠ હોદ્દા છોડીને ભાજપના કાર્યકર્તા બની ગર્વ અનુભવી રહ્યા છે. 4 માર્ચની સવારે, પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના (Gujarat Politics) કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેરે રાજીનામું આપ્યું. અમરેલી જીલ્લાના રાજુલા વિસ્તારમાં સારો એવો જનસમર્થન ધરાવતા ડેરના આઘાતમાંથી કોંગ્રેસ પાર્ટી ભાગ્યે જ બહાર આવી હતી, જ્યારે થોડા સમય પછી પાર્ટીના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ પાર્ટી છોડીને ટીવી સ્ક્રીન પર છવાય ગયા. અર્જુન મોઢવાડિયા વિધાનસભા અધ્યક્ષ પાસે પહોંચ્યા અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની સાથે કોંગ્રેસ પક્ષને રામ-રામ કહી દીધા.
Gujarat Politics: મોઢવાડિયા અને ડેરથી શું થશે ભાજપને કેટલો ફાયદો
સૌરાષ્ટ્ર નેતાના અર્જૂન મોઢવાડિયા અને અંબરીશ ડેર કોંગ્રેસના ત્રિરંગામાંથી ભાજપના કેસરી રંગમાં રંગાઈ ગયા અને કોંગ્રેસને રામ રામ કહી ભાજપનો કેસરિયો ખેસ તો ધારણ કરી દીધો. ભાજપને આશા છે કે આ બન્ને નેતા આવવાથી સૌરાષ્ટ્રની પોરબંદર, જામનગર, અમરેલી, ભાવનગર બેઠક પર ફાયદો થશે. કારણ કે આ બન્ને નેતાઓ જે સમાજમાંથી આવે છે તે મેર અને આહીર સમાજની વસ્તી આ લોકસભા બેઠકમાં વધુ છે.
ભાજપ માટે હાલ દરેક સોદા ફાયદાના જ સાબિત થઈ રહ્યા છે. અને તેથી જ આવનારા નેતાઓ પણ કહી રહ્યા છે કે અમે માત્ર કાર્યકર તરીકે આવ્યા છીએ, કોઈ લોભ લાલચ કે પદ માટે નથી આવ્યા. પરંતુ તેઓ સંકેત પણ આપી રહ્યા છે કે પાર્ટી જે જવાબદારી સોંપશે તે કરીશું. આ જે જવાબદારી છે તેમાં જ બધુ છૂપાયેલું છે. સૌથી પહેલા તો આ બન્ને નેતાઓને તમે જાણી લો.
Gujarat Politics: મોઢવાડિયા અને ડેરના ભાજપ સેટિંગના સમિકરણો?
બન્ને નેતાઓ ભાજપમાં આવ્યા બાદ તેમણે ડાહી ડાહી વાતો કરી. ભાજપમાં કોઈ પણ સ્વાર્થ વગર આવ્યા હોવાનું નિવેદન આપ્યું. પરંતુ સામાન્ય માણસ પણ સમજી શકે છે કે કોઈ વ્યક્તિ સ્વાર્થ વગર કશું જ કરતો નથી. ત્યારે મોઢવાડિયા અને ડેરના શું છે ભાજપમાં સેટિંગના સમિકરણો?
બન્ને એવું કહી રહ્યા છે કે પાર્ટી જે પણ જવાબદારી આપશે તે સ્વીકારીશું. એટલે કે પહેલાથી બધુ નક્કી જ હોય છે. રાજનેતાઓ કંઈ એમ જ સેવા કરવા માટે ધારાસભ્યનું પદ ક્યારેય ન છોડે. મોઢવાડિયા પોરબંદરથી ચાલુ ધારાસભ્ય હતા. અંબરીશ ડેર પૂર્વ ધારાસભ્ય છે. આ બન્ને ભગવાન રામ, વિકાસની રાજનીતિ, કામ થતા નહતા જેવા શબ્દોનો પ્રયોગ કરે છે. પરંતુ આ શબ્દોની પાછળ પોતાની મહત્વકાંક્ષા પણ છૂપાયેલી તો હોય જ છે. બન્ને નેતાએ ભાજપમાં આવતા પહેલા અનેક મંત્રણાઓ અને બેઠક કરી તો કરી જ હશે ને.
Gujarat Politics: અર્જુન મોઢવાડિયા
અર્જુન મોઢવાડિયા ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓમાંના એક હતા. એક સમયે તેઓ PM મોદીની સામે રાજ્યમાં કોંગ્રેસનો ચહેરો હતા. વડાપ્રધાન મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અર્જુન મોઢવાડિયા વિરોધ પક્ષના નેતા હતા. મોઢવાડિયા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ હતા. રાજીનામું આપતી વખતે તેઓ ભાવુક દેખાતા હતા. મોઢવાડિયાએ કહ્યું કે કોંગ્રેસ સાથેના 40 વર્ષ જૂના સંબંધોનો અંત લાવ્યો છે. મોઢવાડિયાએ તેમના રાજીનામાનું મુખ્ય કારણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના કોંગ્રેસના બહિષ્કારને ગણાવ્યું છે.
કોંગ્રેસ વતી રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે પાર્ટીએ તેમને બધું જ આપ્યું છે, તેમ છતાં તેઓ શા માટે છોડી રહ્યા છે તે ફક્ત તેઓ જ સમજાવી શકે છે. આલોક શર્માએ કહ્યું કે જેઓ ભાજપમાં જઈ રહ્યા છે. તેમાં બે બાબતો છે. ભય અને લોભ. શર્માએ કહ્યું કે તેમને કદાચ મોટી ઓફર મળી હશે.
Gujarat Politics: ભાજપમાં રાજકીય ભવિષ્યની સંભાવનાઓ સમજો…
સૌથી પહેલા વાત પોરબંદરના મોઢવાડિયાની…
પહેલી સંભાવના, મોઢવાડિયા પોરબંદરથી ભાજપની ટિકિટ પર પેટા ચૂંટણી લડી શકે છે. જો પેટા ચૂંટણી જીતી જાય તો રાજ્ય સરકારમાં મંત્રી પણ બની શકે છે.
બીજી સંભાવના, તેઓ રાજ્યસભામાં જઈ શકે છે. જે વિદેશ મંત્રી એસ.જયશંકર લોકસભા ચૂંટણી લડે અને જીતી જાય તો રાજ્યસભાની સીટ ગુજરાતમાં ખાલી પડે. અને આ જ ખાલી સીટ પર મોઢવાડિયા સેટ થઈ શકે છે.
સંભાવના એવી પણ છે કે મોઢવાડિયા કેન્દ્રમાં મંત્રી બની શકે છે. પરંતુ આ સંભાવના બહુ ઓછી છે.
અર્જૂન મોઢવાડિયા બાદ હવે વાત અમરેલીના અંબરીશ ડેરની…
રાજુલાના પૂર્વ ધારાસભ્ય ડેર ફરી એકવાર રાજુલાથી ઝંપલાવી શકે છે. સંભાવના છે કે, પેટા ચૂંટણીમાં ભાજપ રાજુલાથી તેમને ટિકિટ આપી શકે છે. રાજુલાથી હાલ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીને ભાજપ ભાવનગર લોકસભા લડાવી શકે. હીરા સોલંકી લોકસભા લડે અને જીતી જાય તો રાજુલા સીટ ખાલી પડે. અને આ જ સીટ પર ડેર ફરી મેદાનમાં ઉતરે. અને જો જીતી જાય તો રાજ્ય સરકારમાં મંત્રી પણ બની શકે છે.
કોળી સમાજના કદ્દાવર નેતા હીરા સોલંકી લોકસભા લડે તેવી પુરેપુરી સંભાવના છે. અને તેથી જ તેમણે અંબરીશ ડેરના ભાજપમાં આવવાનું સ્વાગત કર્યું સાથે જ લોકસભા લડવાની તૈયારી પણ દર્શાવી.
ભાજપથી મોઢવાડિયા અને ડેરને કેટલો ફાયદો મળે છે તેતો સમય બતાવશે પરંતુ ભાજપને આ બન્ને નેતાથી ફાયદો ચોક્કસ મળવાનો છે. ભાજપના નેતાઓ હાલ આ બન્નેના વખાણ કરી રહ્યા છે. રાજકારણમાં ક્યારેય કોઈ કંઈજ કહી શક્તું નથી. આ એવો વ્યવસાય છે કે જેમાં નતો કોઈ કાયમી દોસ્ત છે, નતો કોઈ કાયમી દુશ્મન…ક્યારે શું થાય તેનો કોઈ જ ખ્યાલ આવતો નથી.
‘ભવાઈના ખેલ કરનાર.. 56ની છાતી ગધેડાની હોય પણ ભક્તોને ખબર પડતી નથી’- વડાપ્રધાન મોદી વિશે આ શબ્દો એજ અર્જુન મોઢવાડિયાના છે જે હવે તો સત્તા પક્ષમાં આવી ગયા છે, તેથી જ રાજકારણમાં અંતિમ ક્ષણ સુધી શું થાય તે કહેવું ઉતાવળું કહેવાય…હવે જોવાનું રહેશે કે આગળ શું થાય છે..
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો