ગગનયાન મિશનની તૈયારીઓ શરુ
પ્રથમ માનવરહિત ફ્લાઈટનું ટૂંક સમયમાં પરીક્ષણ કરાશે
ગગનયાન માટે ફ્લાઈટનું પરીક્ષણ 25 ઓક્ટોબરની આસપાસ કરવામાં આવી શકે છે
ગગનયાન મિશનની તૈયારીઓ શરુ કરી છે. ઈસરોના ચંદ્ર મિશનની સફળતા બાદ ગગનયાન મિશનને લઈ ઈસરોએ આજે ટ્વીટ કરી અપડેટ આપ્યું હતું. ઈસરોએ લખ્યું હતું કે,ગગનયાન મિશન માટે માનવરહિત ફ્લાઇટ પરીક્ષણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (TV-D1) માટેની તૈયારીઓ ચાલી રહી છે. જે ક્રૂ એસ્કેપ સિસ્ટમ માટેનું કાર્ય કરે છે. ઈસરોના એક અધિકારીએ જાણકારી આપી કે, ગગનયાન માટે ફ્લાઈટનું પરીક્ષણ 25 ઓક્ટોબરની આસપાસ કરવામાં આવી શકે છે.કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે શનિવારે આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણની પ્રશંસા કરી અને કહ્યું કે ગગનયાનનું આગામી પરીક્ષણ ઓક્ટોબરમાં થઈ શકે છે. આદિત્ય એલ1ના લોન્ચિંગને ભારત માટે ખુશીની ક્ષણ ગણાવતા ડૉ. સિંહે કહ્યું કે આ શક્ય બન્યું છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીહરિકોટાના દરવાજા ખોલ્યા છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, ‘રોબોટિક પેલોડ સાથે પરીક્ષણ વાહન મિશન (TV-D3 અને D4) અને LVM3-G2 મિશન માટે આગળની યોજના બનાવવામાં આવી છે. સફળ પરીક્ષણ વાહનો અને ક્રૂડ મિશનના પરિણામોના આધારે, 2024 ના અંત સુધીમાં ક્રૂ મિશન મોકલવાનું આયોજન છે.
ગગનયાન મિશન શું છે?
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જ કેન્દ્ર સરકારે ગગનયાન પ્રોજેક્ટ માટે 10 હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. ભારતનું આ એકમાત્ર અવકાશ મિશન છે. ગગનયાન સ્પેસ ફ્લાઇટ મિશન હેઠળ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવશે. ગગનયાન મિશન હેઠળ, ISRO અવકાશયાત્રીઓને પૃથ્વીથી 400 કિમી ઉપર અવકાશમાં મુસાફરી કરવા મોકલશે. ઈસરોએ ભારતીય વાયુસેનાને આ મિશન માટે અવકાશયાત્રીઓની પસંદગી કરવા જણાવ્યું હતું.
કેવું હશે ગગનયાન મિશન?
ગગનયાનના પ્રક્ષેપણમાં માનવરહિત વાહનને રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે. તમામ સિસ્ટમની તપાસ કરવામાં આવશે. રિકવરી સિસ્ટમ અને ટીમની તૈયારીની તપાસ કરવામાં આવશે. આ મિશનમાં ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડ પણ સામેલ છે.
વ્યોમિત્ર રોબોટને આવતા વર્ષના શરૂઆતના મહિનાઓમાં ગગનયાન દ્વારા મોકલવામાં આવશે. ISRO એ 24 જાન્યુઆરી 2020 ના રોજ વ્યોમિત્ર સ્ત્રી હ્યુમનૉઇડ રોબોટ રજૂ કર્યો હતો. આ રોબોટ બનાવવાનો હેતુ દેશના પ્રથમ માનવ મિશન ગગનયાનના ક્રૂ મોડ્યુલમાં મોકલીને અંતરિક્ષમાં માનવ શરીરની ગતિવિધિઓને સમજવાનો છે. તે હાલમાં બેંગલુરુમાં છે. તેને વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્પેસ એક્સપ્લોરર હ્યુમનૉઇડ રોબોટનો ખિતાબ મળ્યો છે.
વાંચો અહીં ઈઝરાયલ પર હમાસનો રોકેટ એટેક