ગુજરાત સરકાર ઉપર કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો આરોપ, સરકારે કરી સપષ્ટતા

0
173
ગુજરાત સરકાર ઉપર કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો આરોપ, સરકારે કરી સપષ્ટતા
ગુજરાત સરકાર ઉપર કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો આરોપ, સરકારે કરી સપષ્ટતા

ગુજરાતમાં વીજળી ખરીદી મામલે ફરીવાર અદાણી ચર્ચામાં

ભાજપ સરકાર દ્વારા 3900 કરોડનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ

કોંગ્રેસે કર્યાં ગંભીર આક્ષેપ

રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી

કોંગ્રેસના આક્ષેપો પ્રજાને ગેરમાર્ગે દોરનારા: ઋષિકેશ પટેલ

ગુજરાત સરકાર ઉપર કોંગ્રેસે ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે. .ગુજરાતમાં વીજળી ખરીદી મામલે ફરીવાર અદાણી ચર્ચામાં આવ્યાં છે. ભાજપ સરકાર દ્વારા 3900 કરોડનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે  સરકાર પર ગંભીર આક્ષેપ કર્યાં છે. ત્યારે  રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે પ્રદેશ કોંગ્રસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ આક્ષેપો “અદાણી પાવર મુન્દ્રાને દસ્તાવેજો વગર પાછલા ૫ વર્ષ દરમિયાન વધારાના એનર્જી ચાર્જ પેટે કરોડો રૂપિયાની ચુકવણી” અંગેની સ્પષ્ટતા કરતાં  આ આક્ષેપો પ્રજાને ગેરમાર્ગે દોરનારા  ગણાવ્યા છે.ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તમામ પ્રોજેક્ટ દ્વારા આયાતી કોલસાના વપરાશ થકી વીજ ઉત્પાદન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૦માં ઇન્ડોનેશિયાની સરકાર દ્વારા કોલસાના એક્ષ્પોર્ટના ભાવ અન્વયેના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યાં છે.કોંગ્રેસે ગુજરાત સરકાર ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલને ખુલાસો કરવો પડ્યો હતો.

ગુજરાત સરકાર ના ખુલાસા

  1. વર્ષ ૨૦૦૬માં કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ટેરીફ પોલીસી જાહેર કરવામાં આવેલ જે મુજબ વીજ વિતરણ કંપનીઓ દ્વારા ખાનગી વીજ મથકોમાંથી લાંબા ગાળાના કરાર માત્ર સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા કરવાનું જણાવવામાં આવેલ.
  2. ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યની વધતી વીજમાંગને પૂરી પડવાના હેતુથી વર્ષ ૨૦૦૭માં સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા થકી પસંદગી પામેલ બીડર જોડે વીજ ખરીદ કરાર કરવામાં આવેલ જેની રાજ્ય વીજ નિયમન આયોગ પાસે મંજુરી મેળવવામાં આવેલ છે. રાજ્ય દ્વારા અદાણી પાવર મુન્દ્રા લી. સાથે ૨ વીજ ખરીદી કરાર તા. ૦૬.૦૨.૨૦૦૭ (બીડ ૧) અને ૦૨.૦૨.૨૦૦૭ (બીડ ૨) કરવામાં આવેલ. આ ઉપરાંત રાજ્ય દ્વારા ટાટા પાવર મુન્દ્રા અને એસ્સાર પાવર ગુજરાત લી સાથે પણ લાંબાગાળાના વીજ ખરીદ કરાર કરવામાં આવેલ છે.
  3. આ તમામ પ્રોજેક્ટ દ્વારા આયાતી કોલસાના વપરાશ થકી વીજ ઉત્પાદન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૦માં ઇન્ડોનેશિયાની સરકાર દ્વારા કોલસાના એક્ષ્પોર્ટના ભાવ અન્વયેના નિયમમાં ફેરફાર કરવામાં આવેલ.
  4. વર્ષ ૨૦૧૭ દરમ્યાન ઉપરોક્ત પાવર પ્રોજેક્ટ દ્વારા કોલસાના ભાવમાં વધારાના કારણે ઉત્પાદન બંધ કરી દેવામાં આવેલ અને પ્રોજેક્ટને એનર્જી ચાર્જમાં આયાતી કોલસાના ભાવને અનુરૂપ વધારાની માગણી કરવામાં આવેલ
    .
  5. જુલાઈ ૨૦૧૮ના ઠરાવ થકી રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના રીટાયર્ડ જસ્ટીસ માનનીય શ્રી. આર. કે. અગ્રવાલની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવેલ અને રાજ્યમાં સ્થિત આયાતી કોલસા આધારિત વીજ પ્રોજેક્ટ દ્વારા ઇન્ડોનેશિયન કોલસાના ભાવમાં થયેલ ફેરફારના કારણે ઉદ્ભવેલ મુદ્દાઓના નિરાકરણ માટે ભલામણ મેળવવામાં આવેલ.
  6. હાઈ પાવર કમિટી દ્વારા આયાતી કોલસા આધારિત વીજ મથકોને હકીકતમાં થયેલ એનર્જી ચાર્જની ચુકવણી કરવા માટે ભલામણ કરવામાં આવેલ અને તેના માટે સપ્લીમેન્ટલ વીજ કરાર સહી કરવાનું જણાવવામાં આવેલ.
  7. રાજ્યના ગ્રાહકોને સતત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા હાઈ પાવર કમિટીની ભલામણ અમુક સુધારા સાથે સ્વીકાર કરવામાં આવેલ અને કુલ વીજ દર ઓછો રહે તે માટે ફિક્સ કોસ્ટમાં રૂ. ૦.૨૦/યુનિટ નો ઘટાડો, માઈનીંગ પ્રોફિટમાં શેરીંગ, કરાર અવધી વધારવા સહીતની જોગવાઈ સાથે સપ્લીમેન્ટલ કરાર સહી કરવાનો નિર્દેશ આપવામાં આવેલ.
  8. જે મુજબ તા. ૫.૧૨.૨૦૧૮ના રોજ અદાણી પાવર સાથે સપ્લીમેન્ટલ કરાર કરવામાં આવેલ જે અંતર્ગત હકીકતમાં થયેલ કોલસાની ખરીદીના ભાવ અને HBA Index આધારિત ભાવ (ઇન્ડોનેશિયા સરકાર દ્વારા જાહેર થતું ઈન્ડેક્ષ), બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ ચુકવણી કરવાની જોગવાઈ છે.
  9. GUVNL અને APMuL દ્વારા પડતર મુદાઓના જેવા કે એનર્જી ચાર્જની ગણતરી, પાછલા સમયગાળાનું નુકશાન સહીતના મુદ્દાઓના નિરાકરણ માટે અને રાજ્યની વીજ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તા. 3.1.2022 ના રોજ Settlement Deed કરવામાં આવેલ અને GUVNL દ્વારા તા. 30.03.2022 ના રોજ CERC સમક્ષ વીજ કરાર અંતર્ગત તા. 15.10.2018ની સ્થિતિ માટે માર્કેટના ભાવને ધ્યાને રાખીને, ચકાસણી બાદ ઉપરોક્ત કરાર માટે Base Rate નિર્ધારિત કરવાની રજૂઆત કરવામાં આવેલ
    .
  10. CERC દ્વારા તા. ૧૩.૦૬.૨૦૨૨ના ચુકાદા મુજબ Base Rate નિર્ધારિત કરવામાં આવેલ અને આ મુદો રાજ્ય સરકાર સમક્ષ વિચારણા હેઠળ છે અને રાજ્ય સરકારના નિર્ણય મુજબ જે Base Rate મંજુર કરવામાં આવશે તે મુજબ તા. ૧૫.૧૦.૨૦૧૮થી તમામ ચુકવણીને reconcile કરીને સરભર કરવામાં આવશે.
  11. સપ્ટેમ્બર-૨૦૨૧ બાદ અંતરાષ્ટ્રીય માર્કેટમાં આયાતી કોલસાના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયેલ જે વર્ષ ૨૦૨૨માં ૩૩૧ ડોલર પ્રતિ ટન થયેલ. તમામ આયાતી કોલસા આધારિત વીજ પ્રોજેક્ટ દ્વારા વીજ ઉત્પાદન બંધ કરવામાં આવેલ. જે સમય દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા પણ વીજ કટોકટી ન થાય અને અન્ય રાજ્યમાં થતા લોડ શેડિંગની પરિસ્થિતિને નિવારવાના હેતુથી ઈલેકટ્રીસીટી સેક્શન ૧૧ હેઠળ દેશના તમામ આયાતી કોલસાના પ્રોજેક્ટને વીજ ઉત્પાદન ચાલુ કરવાનો નિર્દેશ આપવામાં આવેલ.
  12. ઉપરોક્ત સંજોગોમાં, ખેડૂતો સહિત રાજ્યના તમામ ગ્રાહકોના હિતમાં અને સતત વધતી વીજમાંગને પૂરી પાડવા અને મુન્દ્રા પ્લાન્ટમાંથી ૨૪૩૪ મે.વો માંથી વીજ પુરવઠો ઉપલબ્ધ રહે તે હેતુથી અને રાજ્ય સરકાર દ્વારા Base Rate મંજુર થાય તે તત્પૂરતા સમય માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. દ્વારા તા. ૫.૧૨.૨૦૧૮ના સપ્લીમેન્ટલ કરાર મુજબની પદ્ધતિ પ્રમાણે ઈંટરીમ ધોરણે ચુકવણી કરવામાં આવેલ છે.
  13. ઉલ્લેખનીય છે કે ઇન્ટરીમ ધોરણે ચૂકવણી માટે અદાણી પાવર દ્વારા સબમિટ કરવામાં આવેલ કોલસાના ભાવ અને HBA Index આધારિત ભાવ બંનેમાંથી જે ઓછું હોય તેને માન્ય રાખી ઈન્ટરીમ ધોરણે ચૂકવણી કરવામાં આવેલ છે. અને આ રકમ રાજ્ય સરકાર દ્વારા Base Rate નક્કી થાય તે મુજબ ૧૫.૧૦.૨૦૧૮થી ગણતરી કરી જરૂરી રકમ સરભર કરવામાં આવશે.
  14. રાજ્યની પ્રજાને ગુણવત્તા યુક્ત અને સાતત્ય પૂર્ણ વીજ પુરવઠો અવિરત પણે જળવાઈ રહે એ હેતુથી જીયુવીએનએલ દ્વારા અદાણી પાવર પાસેથી વીજ ખરીદી કરી જ્યાં સુધી Base Rate આખરી ન થાય ત્યાં સુધી ઈંટરિમ (interim) ચુકવણી કરવામાં આવે છે.
  15. આમ, પ્રેસ મીડિયાના માધ્યમથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવેલ આક્ષેપ કે અદાણી પાવર મુન્દ્રાને દસ્તાવેજો વગર પાછલા ૫ વર્ષ દરમિયાન વધારાના એનર્જી ચાર્જ પેટે કરોડો રૂપિયાની ચુકવણી કરવામાં આવેલ છે તે ગેરમાર્ગે દોરનારો છે કારણકે આ થયેલ ચુકવણી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવનારી Base Rate મુજબ સરભર થશે અને હાલમાં થયેલ ચુકવણી અંતિમ નથી.

વિપક્ષના સાથી મિત્રએ જે પત્રનો સંદર્ભ ટાંકી આક્ષેપ કરેલ છે તે તદ્દન પાયા વિહોણા છે, કારણ કે આ બે પક્ષકારો વચ્ચે થયેલ આંતરિક પત્ર વ્યવહારને out of context quote કરીને કરવામાં આવેલ છે તેમ પણ પ્રવકતા મંત્ર જણાવ્યું છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ