ગુજરાત સરકારે કબુલ્યું- અમે અદાણીને 3900 કરોડ વધુ ચુકવ્યા- કોંગ્રેસનો આરોપ સાચો ઠર્યો – ગુજરાત સરકારે કરી પીછે હટ !

    0
    170
    મોદી અદાણી
    મોદી અદાણીમોદી અદાણી

    ગુજરાત ની ભાજપ સરકાર માનીતા ઉદ્યોગપતિ અદાણી ને માલા માલ કરી સરકાર ની તિજોરી પર લુંટ ચલાવતી હોવાના આક્ષેપો સાથે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે એક પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર ને સીધી કઠેડામાં મૂકી દીધી છે. આ મુદ્દાએ વધુ તૂલ પકડતાં ગુજરાત રાજ્ય સરકાર ના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને ખુલાસો કરવો પડ્યો છે. ઋષિકેશ પટેલે પત્રકારો સાથે સીધી વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે ખોટો મુદ્દો ઉઠાવ્યો છે. ગુજરાત ની જનતાને આપણે એકધારી વીજળી આપી શક્યા છીએ.  વરસાદ ખેચાયો છે, ત્યારે 8 કલાક વીજળી જરૂર પડે તો પણ 10 કલાક વીજળી આપી છે. 

    કોંગ્રેસ હંમેશાં ચૂંટણી સમયે પ્રજાને કરે છે ભ્રમિત 
    ઋષિકેશ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 3900 કરોડવાળો કાગળ એ ખાનગી ડોક્યુમેન્ટ નથી, પબ્લિક ડોમેઈનમાં છે. કોંગ્રેસ હંમેશાં સરકારના વિકાસમાં અવરોધ ઉભો કર્યો છે. દેશમાંથી કોંગ્રેસને લોકોએ તગડી મૂકી છે, ત્યારે અલગ અલગ પેંતરા ઉભા કરીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ લોકોને વિશ્વાસ છે કે વિકાસ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયો છે. કોંગ્રેસ હંમેશાં જ્યારે ચૂંટણી આવે એટલે પ્રજાને ભ્રમવાનો પ્રયાસ કરે છે પણ પ્રજા દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે છે. કોંગ્રેસે ગુજરાતમાં તો હવે આવા પ્રયત્નો મૂકી દેવા જોઈએ. 

    દેશના અગ્રણી ઉદ્યોગપતિ સામે વાહીયાત આક્ષેપ
    ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હા આપણે અદાણી પાસેથી વીજળી ખરીદી છે. સતત વિજળી ખરીદી છે, જેના માટે 2022થી બેજ કાર્ડ રેટ નક્કી કર્યું છે. 2006માં વીજ પોલીસી બનાવી ત્યારે 2007માં અમલી બની છે. આજે પરિસ્થિતિ પ્રમાણે જરૂરી ફેરફાર પણ કરવામાં આવ્યા છે. આમાં કોઈ કૌભાંડ નથી. આ સરકાર કૌભાંડ કરવામાં માંગતી પણ નથી અને કોંગ્રેસ જે આક્ષેપ લગાવે છે તે પુરવાર પણ કરી શકતું નથી. કોંગ્રેસ વર્ષોથી આ જ રીતે રાજકારણ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે દેશના અગ્રણી ઉદ્યોગ પતિ સામે આવા વાહીયાત ખોટા આક્ષેપ છે, સરકાર આવા કોઈ ખોટા આક્ષેપ ચલાવી નહિ લે. જોકે, એ પણ વાત સાચી છે કે કોગ્રેસે જે સરકાર પર આક્ષેપો કર્યા હતા એ સાચા પૂરવાર થયા છે. અદાણીને 3900 કરોડ વધુ ચૂકવાયા હોવાની વાત ઋષિકેશ પટેલે કબૂલી હતી અને કહ્યું હતું કે નવા બેઝ રેટ નક્કી થશે એમાં સરભર કરી લેવાશે. આમ આ મામલે સરકારે પીછેહટ કરવી પડી હતી. 

    ઋષિકેશે કબલ્યું કે GUVNLએ આ મામલ કાગળ લખ્યો છે
    ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, GUVNLએ આ મામલ કાગળ લખ્યો છે જોકે, કોંગ્રેસ આ મામલે આક્ષેપ કરી રહી છે કે, હિંડનબર્ગના અહેવાલ બાદ સુપ્રીમ કોર્ટની સમિતિની રચના કરવામાં આવી હતી. આ પછી કેટલાક લોકોએ RTI દાખલ કરી, ત્યારબાદ ગુજરાત સરકારે અદાણી પાવર લિમિટેડને પત્ર લખ્યો હતો. જો આવું ન થયું હોત તો ગુજરાત સરકારના 3,900 કરોડ રૂપિયા અદાણી પાસે ગયા હોત. આ નાણાં પાવર પરચેઝ એગ્રીમેન્ટના હતા, તેથી તેનો બોજ ગુજરાતના નાગરિકો પર પડ્યો હોત…જોકે, ભાજપ અને કોંગ્રેસના એક બીજાના આક્ષેપો વચ્ચે એ વાસ્તવિકતા છે કે 3900 કરોડ રૂપિયા અદાણીને વધારે ચૂકવાયા છે જે સરકાર હવે સરભર કરશે.

    સરકારના 15 ખુલાસા

    1. વર્ષ ૨૦૦૬માં કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ટેરીફ પોલીસી જાહેર કરવામાં આવેલ જે મુજબ વીજ વિતરણ કંપનીઓ દ્વારા ખાનગી વીજ મથકોમાંથી લાંબા ગાળાના કરાર માત્ર સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા કરવાનું જણાવવામાં આવ્યા હતા.

    2. ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યની વધતી વીજમાંગને પૂરી પડવાના હેતુથી વર્ષ ૨૦૦૭માં સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા થકી પસંદગી પામેલ બીડર જોડે વીજ ખરીદ કરાર કરવામાં આવેલ જેની રાજ્ય વીજ નિયમન આયોગ પાસે મંજુરી મેળવવામાં આવેલ છે. રાજ્ય દ્વારા અદાણી પાવર મુન્દ્રા લી. સાથે ૨ વીજ ખરીદી કરાર તા. ૦૬.૦૨.૨૦૦૭ (બીડ ૧) અને ૦૨.૦૨.૨૦૦૭ (બીડ ૨) કરવામાં આવેલ. આ ઉપરાંત રાજ્ય દ્વારા ટાટા પાવર મુન્દ્રા અને એસ્સાર પાવર ગુજરાત લી સાથે પણ લાંબાગાળાના વીજ ખરીદ કરાર કરવામાં આવેલ છે.

    3. આ તમામ પ્રોજેક્ટ દ્વારા આયાતી કોલસાના વપરાશ થકી વીજ ઉત્પાદન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૦માં ઇન્ડોનેશિયાની સરકાર દ્વારા કોલસાના એક્ષ્પોર્ટના ભાવ અન્વયેના નિયમમાં ફેરફાર કરવામાં આવેલ.

    4. વર્ષ ૨૦૧૭ દરમ્યાન ઉપરોક્ત પાવર પ્રોજેક્ટ દ્વારા કોલસાના ભાવમાં વધારાના કારણે ઉત્પાદન બંધ કરી દેવામાં આવેલ અને પ્રોજેક્ટને એનર્જી ચાર્જમાં આયાતી કોલસાના ભાવને અનુરૂપ વધારાની માગણી કરવામાં આવેલ.

    5. જુલાઈ ૨૦૧૮ના ઠરાવ થકી રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના રીટાયર્ડ જસ્ટીસ માનનીય આર. કે. અગ્રવાલની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવેલ અને રાજ્યમાં સ્થિત આયાતી કોલસા આધારિત વીજ પ્રોજેક્ટ દ્વારા ઇન્ડોનેશિયન કોલસાના ભાવમાં થયેલ ફેરફારના કારણે ઉદ્ભવેલ મુદ્દાઓના નિરાકરણ માટે ભલામણ મેળવવામાં આવેલ.

    6. હાઈ પાવર કમિટી દ્વારા આયાતી કોલસા આધારિત વીજ મથકોને હકીકતમાં થયેલ એનર્જી ચાર્જની ચુકવણી કરવા માટે ભલામણ કરવામાં આવેલ અને તેના માટે સપ્લીમેન્ટલ વીજ કરાર સહી કરવાનું જણાવવામાં આવેલ.

    7. રાજ્યના ગ્રાહકોને સતત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા હાઈ પાવર કમિટીની ભલામણ અમુક સુધારા સાથે સ્વીકાર કરવામાં આવેલ અને કુલ વીજ દર ઓછો રહે તે માટે ફિક્સ કોસ્ટમાં રૂ. ૦.૨૦/યુનિટ નો ઘટાડો, માઈનીંગ પ્રોફિટમાં શેરીંગ, કરાર અવધી વધારવા સહીતની જોગવાઈ સાથે સપ્લીમેન્ટલ કરાર સહી કરવાનો નિર્દેશ આપવામાં આવેલ.

    8. જે મુજબ તા. ૫.૧૨.૨૦૧૮ના રોજ અદાણી પાવર સાથે સપ્લીમેન્ટલ કરાર કરવામાં આવેલ જે અંતર્ગત  હકીકતમાં થયેલ કોલસાની ખરીદીના ભાવ અને HBA Index આધારિત ભાવ (ઇન્ડોનેશિયા સરકાર દ્વારા જાહેર થતું ઈન્ડેક્ષ), બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ ચુકવણી કરવાની જોગવાઈ છે.  

    9. GUVNL અને APMuL દ્વારા પડતર મુદાઓના જેવા કે એનર્જી ચાર્જની ગણતરી, પાછલા સમયગાળાનું નુકશાન સહીતના મુદ્દાઓના નિરાકરણ માટે અને રાજ્યની વીજ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તા. 3.1.2022 ના રોજ Settlement Deed કરવામાં આવેલ અને GUVNL દ્વારા તા. 30.03.2022 ના રોજ CERC સમક્ષ વીજ કરાર અંતર્ગત તા. 15.10.2018ની સ્થિતિ માટે માર્કેટના ભાવને ધ્યાને રાખીને, ચકાસણી બાદ ઉપરોક્ત કરાર માટે Base Rate નિર્ધારિત કરવાની રજૂઆત કરવામાં આવેલ

    10. CERC દ્વારા તા. ૧૩.૦૬.૨૦૨૨ના ચુકાદા મુજબ Base Rate નિર્ધારિત કરવામાં આવેલ અને આ મુદો રાજ્ય સરકાર સમક્ષ વિચારણા હેઠળ છે અને રાજ્ય સરકારના નિર્ણય મુજબ જે Base Rate મંજુર કરવામાં આવશે તે મુજબ તા. ૧૫.૧૦.૨૦૧૮થી તમામ ચુકવણીને reconcile કરીને સરભર કરવામાં આવશે.

    11. સપ્ટેમ્બર-૨૦૨૧ બાદ અંતરાષ્ટ્રીય માર્કેટમાં આયાતી કોલસાના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયેલ જે વર્ષ ૨૦૨૨માં ૩૩૧ ડોલર પ્રતિ ટન થયેલ. તમામ આયાતી કોલસા આધારિત વીજ પ્રોજેક્ટ દ્વારા વીજ ઉત્પાદન બંધ કરવામાં આવેલ. જે સમય દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા પણ વીજ કટોકટી ન થાય અને અન્ય રાજ્યમાં થતા લોડ શેડિંગની પરિસ્થિતિને નિવારવાના હેતુથી ઈલેકટ્રીસીટી સેક્શન ૧૧ હેઠળ દેશના તમામ આયાતી કોલસાના પ્રોજેક્ટને વીજ ઉત્પાદન ચાલુ કરવાનો નિર્દેશ આપવામાં આવેલ.  

    12. ઉપરોક્ત સંજોગોમાં, ખેડૂતો સહિત રાજ્યના તમામ ગ્રાહકોના હિતમાં અને સતત વધતી વીજમાંગને પૂરી પાડવા અને મુન્દ્રા પ્લાન્ટમાંથી ૨૪૩૪ મે.વો માંથી વીજ પુરવઠો ઉપલબ્ધ રહે તે હેતુથી અને રાજ્ય સરકાર દ્વારા Base Rate મંજુર થાય તે તત્પૂરતા સમય માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. દ્વારા તા. ૫.૧૨.૨૦૧૮ના સપ્લીમેન્ટલ કરાર મુજબની પદ્ધતિ પ્રમાણે ઈંટરીમ ધોરણે ચુકવણી કરવામાં આવેલ છે.
    13. ઉલ્લેખનીય છે કે ઇન્ટરીમ ધોરણે ચૂકવણી માટે અદાણી પાવર દ્વારા સબમિટ કરવામાં આવેલ  કોલસાના ભાવ અને HBA Index આધારિત ભાવ બંનેમાંથી જે ઓછું હોય તેને માન્ય રાખી ઈન્ટરીમ ધોરણે ચૂકવણી કરવામાં આવેલ છે. અને આ રકમ રાજ્ય સરકાર દ્વારા Base Rate નક્કી થાય તે મુજબ  ૧૫.૧૦.૨૦૧૮થી  ગણતરી કરી જરૂરી રકમ સરભર કરવામાં આવશે.

    14. રાજ્યની પ્રજાને ગુણવત્તા યુક્ત અને સાતત્ય પૂર્ણ વીજ પુરવઠો અવિરત પણે જળવાઈ રહે એ હેતુથી જીયુવીએનએલ દ્વારા અદાણી પાવર પાસેથી વીજ ખરીદી કરી જ્યાં સુધી Base Rate આખરી ન થાય ત્યાં સુધી ઈંટરિમ ચુકવણી કરવામાં આવે છે.

    15. આમ, પ્રેસ મીડિયાના માધ્યમથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા  કરવામાં આવેલ આક્ષેપ કે અદાણી પાવર મુન્દ્રાને દસ્તાવેજો વગર પાછલા ૫ વર્ષ દરમિયાન વધારાના એનર્જી ચાર્જ પેટે કરોડો રૂપિયાની ચુકવણી કરવામાં આવેલ છે તે ગેરમાર્ગે દોરનારો છે કારણકે આ થયેલ ચુકવણી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવનારી Base Rate મુજબ સરભર થશે અને હાલમાં થયેલ ચુકવણી અંતિમ નથી. 

    વિપક્ષના સાથી મિત્રએ જે પત્રનો સંદર્ભ ટાંકી આક્ષેપ કરેલ છે તે તદ્દન પાયા વિહોણા છે, કારણ કે આ બે પક્ષકારો વચ્ચે થયેલ આંતરિક પત્ર વ્યવહારને out of context quote કરીને કરવામાં આવેલ છે તેમ પણ પ્રવકતા મંત્રીએ જણાવ્યું છે.

    શક્તિસિંહ ગોહિલે શું કર્યો હતો આક્ષેપ
    આજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે એક પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને સીધી કઠેડામાં મૂકી દીધી હતી. શક્તિસિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ગુજરાતમાં ઉદ્યોગ આવે એનો વિરોધ નથી પણ ગુજરાત અને પ્રજાની લૂંટ થાય તો કોંગ્રેસ ચુપ ના રહે. હવે લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ભ્રષ્ટાચાર મુક્ત ભાજપની સરકાર સામે સીધા સવાલો ઉભા થયા છે, કોંગ્રેસ આ મામલો લોકસભાની ચૂંટણીમાં ઉઠાવે તો પણ નવાઈ નહીં કારણ કે અત્યારથી કોંગ્રેસ GUVNLને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ નહીં પરંતુ ગુજરાતમાં GUVNL ને ગૌતમ ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ કહેવામાં આવતી હોવાનું જણાવી રહી છે. 

    ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલે આજે પ્રથમવાર ભાજપ સરકારને ઘેરી છે. પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો હતો કે, પ્રજાની તિજોરી પર થતી લૂંટ અટકાવવા જવાબદાર વિપક્ષ તરીકે એક ડોકયુમેન્ટ રજૂ કરી રહ્યો છું. ગુજરાત સરકારે અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ સાથે PPA (પાવર પરચેઝ એગ્રીમેન્ટ) પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં એક શરત હતી કે ઈન્ડોનેશિયામાંથી જે પણ કોલસો આવશે એ એનર્જી ચાર્જિસ અદાણી પાવર મુંદ્રા લિમિટેડને તેની નિશ્ચિત કિંમતના આધારે આપવામાં આવશે. PPAમાં લખવામાં આવ્યું હતું કે અદાણી જે પણ કોલસો ખરીદશે, તે તેની સ્પર્ધાત્મક બિડ અને બિલ પેપર સરકારને આપશે, જેની સરકાર આંતરરાષ્ટ્રીય કિંમત નિર્ધારણ સર્કિટ સાથે સરખામણી કરશે. પરંતુ અદાણી પાવર મુન્દ્રા લિમિટેડે 5 વર્ષ સુધી કોઈ દસ્તાવેજો સબમિટ કર્યા નથી અને સરકાર એનર્જી ચાર્જીસના નામે કરોડો રૂપિયા ચૂકવતી રહી છે.

    પ્રજાના રૂપિયાની 3 હજાર 900 કરોડની લૂંટ થઈ છે
    ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વતી અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને એક પત્ર લખવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે તમે અમને દસ્તાવેજો નથી સોંપી રહ્યા. પરંતુ અમે તમને 5 વર્ષમાં 13,802 કરોડ આપ્યા છે, જ્યારે અમારે તમને માત્ર 9,902 કરોડ આપવાના હતા. પત્રમાં વિનંતી કરવામાં આવી હતી કે અમે તમને 3,900 કરોડ રૂપિયા વધુ આપ્યા છે, તમે તેને પરત કરો. શક્તિસિંહ ગોહિલે તો આ પ્રેસ કોન્ફરન્સમાં GOV એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાત નહીં ગવર્મેન્ટ ઓફ ગૌતમ પણ કહી દીધી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે, આ મની લોન્ડરિંગ સિવાય બીજું કંઈ નથી. પ્રજાના રૂપિયાની 3 હજાર 900 કરોડની લૂંટ થઈ છે. ED અને CBIએ ગુજરાતમાં ધામા નાખવા જોઈએ. ગુજરાત સરકાર અને ભારત સરકારે આ મુદ્દે જવાબ આપવો જોઇએ.જોકે, આજે ગુજરાત સરકારે મોટા ખુલાસા કર્યા છે અને કોંગ્રેસના આક્ષેપોને વાહિયાત ગણાવ્યા હતા.