ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્રની સપાટીથી નજીક પહોંચી ચુક્યું છે . ત્યારે ભારતીયોની છાતી ગજગજ ફૂલી રહી છે. ચંદ્રયાન-3 ને લઈને તમામ દેશવાસીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે અને ઈસરો સતત અપડેટ પણ ચંદ્રયાન-3 પર આપી રહ્યું છે . પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ચંદ્રયાન-3ની ચર્ચા થઇ રહી છે. ત્યારે ભારતના ચંદ્ર મિશન પર પાકિસ્તાની નાગરિકોની રસપ્રદ પ્રતિક્રિયાઓ આવી રહી છે. ચંદ્રયાન-3 લેન્ડ કરાવવા ઈસરોએ પૂરી તૈયારીઓ કરી ચુકી છે ત્યારે પાકિસ્તાની જનતાની પણ પ્રતિક્રિયા સામે આવી છે . લોકો કહી રહ્યા છેકે અલ્લાહ , ભારતનું ચંદ્રયાન-3 સુરક્ષિત રીતે ચંદ્ર પર લેન્ડ કરાવે . ભારતના મહત્વાકાંક્ષી પ્રૉજેક્ટમાં સફળતા મળે તેવી શુભ કામનાઓ આપી રહ્યા છે. એક પાકિસ્તાની વ્યક્તિએ કહ્યું કે, આ સમયે પૂરી દુનિયા ટેક્નોલૉજીના ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે પાકિસ્તાન ફક્ત જોઈ શકે છે.
અમારા દેશના રાજકીય નેતાઓ પાસે કોઈ પ્રકારની વિઝન નથી:પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાન તે સિવાય કંઈ કરી પણ શકતું નથી. બીજી તરફ એક પાકિસ્તાની વ્યક્તિ પોતાના જ દેશની ટીકા કરતો પણ જોવા મળ્યો હતો. તેણે પોતાના દેશની નીતિની ઝાટકણી કાઢતા કહ્યું – અમે માત્ર બીજા દેશોની નિષ્ફળતાનો જશ્ન મનાવીએ છીએ અને પોતે કંઈ કરી શકતા નથી. દુનિયાના બીજા દેશના લોકો પાકિસ્તાનની મજાક કરી રહ્યા છે . એક પાકિસ્તાની વ્યક્તિએ રશિયાના ચંદ્ર મિશનની નિષ્ફળતા પર દુઃખ વ્યક્ત કર્યું. અને ભારતના ચંદ્રયાન-3ની સફળતાની કામના કરી હતી, બીજા એક વ્યક્તિએ કહ્યું- અમારા દેશના રાજકીય નેતાઓ પાસે કોઈ પ્રકારની વિઝન નથી. ભારત આજે સતત આગળ વધી રહ્યું છે અને 140 કરોડની જનતા પણ પોતાના દેશના વિકાસમાં સાથ આપી રહી છે. ભારતનો વસ્તી વધારો દેશના વિકાસમાં સકારાત્મક મદદ કરી રહ્યો છે અને દુનિયાના દેશોમાં એક વ્યાપારનું મોટું કેન્દ્ર બન્યો છે.
બીજી તરફ દેશભરમાં ચંદ્રયાન -3 ખુબજ સરળ રીતે ચંદ્ર ઉપર ઉતરાણ કરે તેના માટે સમગ્ર દેશમાં પ્રાર્થના થઇ રહી છે,અને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવાલયોમાં પણ પૂજા અને પ્રાર્થના થઇ છે . હોમ હવનના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.
આવતીકાલે 23 ઓગસ્ટે ચંદ્રયાન -3 ના લેન્ડ સમયના સાક્ષી બનવા ભારતવર્ષના નાગરિકો સહિત દુનિયાના દેશો પણ તૈયાર છે. ભારતમાં અનેક જગ્યાએ ઈસરોના લાઇવ ટેલીકાસ્ટને નિહાળવાની તૈયારીઓ કરવામાં આવી છે. શાળાઓ સહિત વિજ્ઞાનના કેન્દ્રોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ભારતનું મિશન ચંદ્ર સફળ થાય તેવી આશાએ દેશના નાગરિકો પ્રાર્થના કરી રહ્યા છે.