કેનેડામા ખાલિસ્તાન સમર્થકોનો 8મી જુલાઇએ થશે મોટુ શક્તિ પ્રદર્શન- ભારતીય દુતાવાસ ટાર્ગેટ રહેવાની સંભાવના- સરકાર એલર્ટ મોડમાં

0
283

કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો એ 8 જુલાઈના રોજ એક મોટા પ્રદર્શનનું એલાન કર્યું છે.આ પ્રદર્શન ખાલિસ્તાન ટાઈગર ફોર્સના આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ થઈ રહ્યું છે. ખાલિસ્તાન સમર્થકો નો આરોપ છે કે, ભારતીય રાજદ્વારી ઓના ઈશારા પર નિજ્જરની હત્યા થઈ છે. આ પ્રદર્શન પહેલા કેનેડા પોલીસે ભારતીય રાજદ્વારી ઓને સુરક્ષા આપી છે. આ સાથે જ કેનેડાની સુરક્ષા એજન્સીઓ શીખ  કટ્ટરપંથીઓને લઈને સતત ચિંતિત છે. જો કે આ બધાની વચ્ચે કેનેડાના રાજકારણીઓ આ મુદ્દે ખુલીને વાત નથી કરી રહ્યા જેને વોટ બેંકની રાજનીતિ સાથે જોડવામાં આવી રહ્યું છે. ખાલિસ્તાન સમર્થકો ને લઇને ભારતીય દુતાવાસે પણ કેનેડા સરકાર સામે આપત્તિ નોંધાવી છે

ભારતીય દૂતાવાસને ઘેરવાની તૈયારી

હરદીપ સિંહ નિજ્જરની ગુરુદ્વારાની બહાર હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી આ હત્યાકાંડથી, કેનેડા, અમેરિકા અને લંડનમાં ભારતીય રાજદ્વારીઓ વિરુદ્ધ દેખાવો શરૂ થયા હતા. હવે 8મી જુલાઈએ ખાલિસ્તાન સમર્થકોએ આ દેશોમાં પ્રદર્શનનું એલાન કર્યું છે જેમાં ભારતીય દૂતાવાસને ઘેરવાની તૈયારી ચાલી રહી છે. આ માટે પોસ્ટર ચોંટાડવામાં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ખાલિસ્તાન પર કેનેડાના રાજકારણમાં મૌન

ખાલિસ્તાની સમર્થકોના આ સમગ્ર હંગામાને લઈને કેનેડાના રાજકારણમાં મૌન છે. કેટલાક મંત્રીઓના નાના નિવેદનો સિવાય અન્ય કોઈએ ખાલિસ્તાનને લઈને કોઈ મોટું નિવેદન નથી આપ્યું. વડાપ્રધાન તરફથી પણ કોઈ ખુલ્લેઆમ નિંદા કરવામાં આવી નથી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેનેડામાં કુલ 2.4 મિલિયન વિદેશી ભારતીયો રહે છે. જેમાંથી લગભગ 7 લાખ શીખ સમુદાયમાંથી આવે છે. જે દરેક પાર્ટી માટે મજબૂત વોટ બેંક છે. કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોનો ડર ઘણો વધારે છે તેથી જ બાકીના શીખ સમુદાય પણ તેમના વિશે કશું બોલતા નથી. બીજી તરફ ભારતીય વિદેશીઓ પણ આ બાબતે મૌન રહેવું યોગ્ય માને છે.

ભારતીય રાજદ્વારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા 

ખાલિસ્તાની સમર્થકો દ્વારા પ્રદર્શનને લઈને જે પોસ્ટર જારી કરવામાં આવ્યા છે તેમાં અનેક ભારતીય રાજદ્વારીઓની તસવીરો લગાવવામાં આવી છે. તેમનો દાવો છે કે, નિજ્જરની હત્યા માટે આ જ લોકો જવાબદાર છે. આ રાજદ્વારીઓને સઘન સુરક્ષામાં રાખવામાં આવ્યા છે. ભારતે પણ વાંધો વ્યક્ત કર્યો છે.