શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તર રાજ્યને પ્રથમ એઈમ્સની ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર ગુવાહાટીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે પૂર્વોત્તરની પ્રથમ એઈમ્સ દેશને સમર્પિત કરી હતી. આ ઉપરાંત તેમણે અન્ય ત્રણ મેડિકલ કોલેજોનું પણ ઉદઘાટન કર્યું હતું. પીએમ મોદીએ મે 2017માં એમ્સ ગુવાહાટીનો શિલાન્યાસ કર્યો હતો. તે 1120 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે લગભગ 11.30 વાગે ગુવાહાટી પહોંચ્યા હતા. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગુવાહાટી એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રીએ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એઈમ્સ), ગુવાહાટી અને અન્ય ત્રણ ચિકિત્સા મહાવિદ્યાલયોનું ઉદઘાટન કર્યું હતું. તેમણે ‘આપકે દ્વાર આયુષ્માન’ અભિયાન પણ શરૂ કર્યું હતું. આ પ્રસંગે તેઓ ગુવાહાટીના સરુસઝાઇ સ્ટેડિયમમાં બિહુ ડાન્સના વર્લ્ડ રેકોર્ડના સાક્ષી પણ બન્યા, જ્યાં 11 હજારથી વધુ કલાકારો એકસાથે બિહુ ડાન્સ કર્યો.