કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપે મંગળવારે 189 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક માટે પહોંચ્યા હતા. અરુણ સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવિયા, બીએલ સંતોષ પણ જેપી નડ્ડાના નિવાસસ્થાને હાજર હતા. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આજે અમે આગામી કર્ણાટક ચૂંટણી 2023 માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે મંગળવારે રાત્રે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 189 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં માત્ર 8 મહિલાઓ છે. સીએમ બસવરાજ બોમ્માઈ શિગગાંવથી ચૂંટણી લડશે. પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર તેમના પિતાના શિકારીપુરા મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે. હવે માત્ર 34 નામોની જાહેરાત થવાની બાકી છે. સીએમ બોમ્માઈએ કહ્યું- બીજી યાદી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.