આજનું ભારત નવી વિચારસરણી અને નવી ટેકનોલોજીની વાત કરે છે : PM મોદી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશ સહીત સમગ્ર દેશવાસીઓને ફરી એક મોટી ભેટ આપી છે, તેમણે ભોપાલમાં રાણી કમલાપતિ-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી દીધી છે. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે, “આજે મધ્યપ્રદેશને તેની પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. આનાથી મધ્યપ્રદેશથી દિલ્હી સુધીનો પ્રવાસ સરળ બનશે. રેલવેના ઈતિહાસમાં ભાગ્યે જ એવું બન્યું હશે કે, આટલા ટૂંકા ગાળામાં એક જ સ્ટેશન પર કોઈ વડાપ્રધાન ફરી આવ્યા હોય. આધુનિક ભારતમાં નવી વ્યવસ્થા, નવી સુવિધાઓ બનાવવામાં આવી રહી છે. આ ટ્રેનમાં મુસાફરો તરીકે જઈ રહેલા બાળકોએ આ ટ્રેનમાં મુસાફરી કરવાની આતુરતા વ્યક્ત કરી છે. 21મી સદીનું ભારત નવી વિચારસરણી અને નવી ટેકનોલોજીની વાત કરે છે. પહેલાની સરકારો માત્ર તુષ્ટિકરણમાં જ વ્યસ્ત હતી. તેઓ વોટ બેંકના તુષ્ટિકરણમાં વ્યસ્ત હતા અને અમે દેશવાસીઓના સંતોષ માટે સમર્પિત છીએ.” વડાપ્રધાને વધુમાં ઇન્દોર દુર્ઘટના પર જણાવ્યું હતું કે, “ઈન્દોરના મંદિરમાં રામ નવમીના દિવસે બનેલી ઘટના પર હું મારું દુઃખ વ્યક્ત કરું છું, આ સમયે અમને છોડીને ચાલ્યા ગયેલા લોકોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલ ભક્તોના સ્વાસ્થ્ય માટે પણ હું પ્રાર્થના કરું છું.”