પંજાબના સીએમ ભગવંત માનની પુત્રીને મળી ધમકી
કટ્ટરપંથી અમૃતપાલ સામે કડક એક્શન બાદ પંજાબના CM ભગવંત માનની પુત્રીને અમેરિકામાં ધમકી મળી રહી છે, ત્યારે આ મામલે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પંજાબના CMની પુત્રીની સુરક્ષા માટે વિદેશ મંત્રાલયને વિનંતી કરી છે. સ્વાતિ માલીવાલે ભારતના વિદેશ મંત્રાલયને અમેરિકામાં રહેતા ભગવંત માનની પુત્રી સીરત કૌરની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. ભાગેડુ અમૃતપાલ સિંહ સામે પંજાબ પોલીસની કડક કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા ખાલિસ્તાની તત્વોએ ભગવંત માનની પુત્રીને ધમકીભર્યા ફોન કર્યા હતા. ભગવંત માન અને તેમની પહેલી પત્ની અને તેમના બે બાળકો અમેરિકામાં રહે છે. તમને જણાવી દઇએ કે પટિયાલાના એક વકીલે દાવો કર્યો છે કે, અમેરિકામાં રહેતા CM ભગવંત માનની પુત્રી સીરત કૌરને ખાલિસ્તાની સમર્થક તત્વોએ ફોન કરીને જાનથી મારવાની ધમકી આપી. વકીલ હરમીત બરાડે લખ્યું કે, શું બાળકોને ધમકી આપવા અને અપશબ્દો બોલીને ખાલિસ્તાન મળી જશે ? તમે આ રીતે બાળકોને ધમકાવીને અને અપશબ્દો બોલીને ખાલિસ્તાન લેવાના છો. આવા લોકો શીખ ધર્મ પર કલંક સમાન છે.ઉલ્લેખનિય છે કે, CM ભગવંત માનની પૂર્વ પત્ની ઈન્દરપ્રીત કૌર ગ્રેવાલ તેમની પુત્રી સીરત કૌર (21) અને પુત્ર દિલશાન (18) સાથે અમેરિકામાં રહે છે. ઈન્દરપ્રીતે ઘટનાની પુષ્ટિ કરતા હરમીત બરાડની પોસ્ટ શેર કરી છે અને તેમનો આભાર પણ માન્યો છે.