150 Years of Vande Mataram:ગુજરાત વિધાનસભાના ગૃહમાં આજે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી હતી, જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘વંદે માતરમ’ ગાનની રચનાના 150 વર્ષની ઉજવણીના ગૌરવ અવસરને વધાવતો સંકલ્પ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે ગીતે આઝાદીની ચળવળમાં પ્રાણ ફૂંક્યા હતા, તે હવે ‘વિકસિત ભારત’ના સંકલ્પને પૂર્ણ કરવા માટે નવી ઊર્જા આપશે.
150 Years of Vande Mataram:અમૃતકાળનું નવું પ્રેરણાબળ

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં વંદે માતરમના 150 વર્ષની ઉજવણી થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, “ભલે આ ગીત ગુલામીના કાલખંડમાં રચાયું હોય, પણ તેની દરેક પંક્તિમાં રહેલું ભારત માતાનું ભક્તિગાન આજે પણ એટલું જ સુસંગત છે. આ ગીત ક્યારેય અપ્રાસંગિક નહીં થાય.”
150 Years of Vande Mataram:મુખ્યમંત્રીશ્રીના સંબોધનના મહત્વના અંશો:
- રાષ્ટ્રચેતનાનો મંત્ર: 1875માં બંકિમચંદ્ર ચટોપાધ્યાય દ્વારા રચાયેલું આ ગીત માત્ર શબ્દો નથી, પણ જન-જનમાં વિશ્વાસ જગાડનારો રાષ્ટ્રભક્તિનો મંત્ર છે.
- બ્રિટિશ શાસનનો ડર: વંદે માતરમની શક્તિથી ડરીને તત્કાલીન બ્રિટિશ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો અને ગાનારાઓ પર કોરડા વીંઝ્યા હતા, છતાં આ ગીત લાખો ભારતીયોનો જયઘોષ બની રહ્યું.
- સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ: આ ગીતમાં ભારત માતાને શક્તિ, સમૃદ્ધિ અને વિદ્યાની દેવી તરીકે પૂજવામાં આવી છે. 1950માં બંધારણ સભાએ તેને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન દરજ્જો આપીને યોગ્ય સન્માન આપ્યું હતું.
- બહુબલ ધારિણી ભારત માતા: મુખ્યમંત્રીએ ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરી જણાવ્યું કે, જ્યારે પણ દુશ્મનોએ કાંકરીચાળો કર્યો છે, ત્યારે ભારત માતાએ ‘રિપુદલ વારિણી’ બનીને જડબાતોડ જવાબ આપ્યો છે.
વડાપ્રધાનના વિઝનનું ગૌરવ
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાવ્ય પંક્તિઓને ટાંકીને કહ્યું કે, “વંદે માતરમ એ માત્ર ગાન નથી, પણ આપણી આન, બાન અને શાન છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ‘મારી માટી-મારો દેશ’ અને ‘હર ઘર તિરંગા’ જેવા અભિયાનો દ્વારા દેશમાં સાંસ્કૃતિક ચેતના ફરીથી સુદ્રઢ થઈ છે.
ગૃહમાં સભ્યો દ્વારા ‘વંદે માતરમ’ના નારાઓના ગુંજારવ વચ્ચે આ સંકલ્પને વધાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ગીત આગામી પેઢીઓ માટે પણ રાષ્ટ્રભક્તિનું સર્વોચ્ચ માધ્યમ બની રહેશે.
આ પણ વાંચો :અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર: 27 PIની બદલી, લાંબા સમયથી ‘લીવ રિઝર્વ’માં રહેલા 8 અધિકારીઓને પોસ્ટિંગ




