સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના નગરસેવકોએ રાજીનામાં આપ્યા. આ સાથે ગુજરાતનું રાજકારણ પણ ઉનાળાની રાત્રે ગરમ બની ગયું. ભાજપે 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કમર તોડી નાંખી હવે આમ આદમી પાર્ટી માથું ઊંચકે તે પહેલાં ડામી દેવાની રણનીતિ ભાજપે શરૂ કરી છે અને તેના ભાગરૂપે જ ‘ઓપરેશન કોર્પોરેટર’ પાર પાડ્યું. સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીએ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરિયાની મદદ લઈ આખું ઓપરેશન પાર પાડ્યું હોવાનું કહેવાય છે. જે કોર્પોરેટરોએ રાજીનામાં આપ્યા તેમાંથી 6 તો મહિલા છે અને પાંચ નગરસેવકો પાટીદાર છે.સુરત મનપામાં પગ જમાવીને બેઠેલી આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર હતા, હવે 17 રહ્યા છે. આ 17માંથી બીજા 6 પણ કેસરિયો પહેરવાની તૈયારીમાં હોવાનું કહેવાય છે પણ ભાજપનો ટાર્ગેટ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કરતાં AAPના પાંચ ધારાસભ્યો છે. ભાજપ દિવાળી પહેલાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોને ખેંચી શકે છે.