રાજ્ય સરકારની યુવાનોને રોજગારી માટે વધુ એક નવતર પહેલ
ઈતિહાસ વિષય સાથે સ્નાતક વિદ્યાર્થીઓ માટે નવો કોર્ષ શરૂ કરવામાં આવ્યો
PG ડિપ્લોમા તેમજ અનુસ્નાતક કક્ષાનો નવો કોર્ષ
ઈતિહાસના વિદ્યાર્થીઓ માટે રોજગારીની નવી દિશા ખુલશે
રાજ્ય સરકારની યુવાનોને રોજગારી માટે વધુ એક નવતર પહેલ સામે આવી છે. યુવાનોને વધુને વધુ રોજગારી ઉપલબ્ધ થાય તે હેતુથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ એક નવતર પહેલ કરવામાં આવી છે. ઈતિહાસ વિષય સાથે સ્નાતક વિદ્યાર્થીઓ માટે ‘દફ્તર વિદ્યાના ક્ષેત્ર’માં PG ડિપ્લોમા તેમજ અનુસ્નાતક કક્ષાનો નવો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી ખાતે શરૂ કરાયેલા આ કોર્ષમાં ડિપ્લોમા અને અનુસ્નાતકની ડિગ્રી પણ આપવામાં આવશે. જેના પરિણામે ઈતિહાસના વિદ્યાર્થીઓ માટે રોજગારીની નવી દિશા ખુલશે તેમ, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રી મૂળુ બેરાએ જણાવ્યું હતું.
મંત્રી મૂળુ બેરાએએ કોર્ષની મહત્તા અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્યની અભિલેખાગાર કચેરીના નિયામક અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે જ તાલીમના ભાગરૂપે અભિલેખાગાર કચેરીઓમાં સ્ટાઈપેન્ડ સાથે તાલીમ પણ આપવામાં આવશે. આ કોર્ષમાં જોડાનાર એસ.સી., એસ.ટી, ઓ.બી.સી, પી.ડબલ્યુ.ડી, ઈ.ડબલ્યુ.એસ અને વિદ્યાર્થીનીઓને સરકારના નિયમ મુજબ સ્કોલરશિપ મળવાપાત્ર થશે
મંત્રી મૂળુ બેરાએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રના યુવાનોને વધુ આત્મનિર્ભર બનાવવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં સ્કિલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે તાજેતરમાં રાજ્યના દફતર વિભાગ દ્વારા ‘દફ્તર વિદ્યાના ક્ષેત્રમાં’ અનુસ્નાતક કક્ષાનો નવો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં ખાનગી ક્ષેત્રો પણ પોતાના અર્કાઈવ્ઝ ડેવલપ કરવામાં રસ દાખવી રહ્યા છે જેથી આ કોર્ષના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ઉજ્જવળ તકો ઉપલબ્ધ્ધ થશે તેમ જણાવી નવીન કોર્ષનો મહત્તમ લાભ લઈને આ ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવો મંત્રીશ્રીએ રાજ્યના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવઅશ્વિની કુમારે કહ્યું હતું કે આ કોર્ષમાં ઈતિહાસ વિષય સાથે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. આ કોર્ષમાં વિદ્યાર્થીઓ દફ્તર વર્ગીકરણ, અર્કાઈવ્ઝ ડેવલપમેન્ટ, કોર્પોરેટ અર્કાઈવ્ઝ ડેવલપમેન્ટ, ઐતિહાસિક દસ્તાવેજોનું ડિજિટલાઈઝેશન જેવા વિવિધ કૌશલ્ય સંબંધિત વિષયોનું શિક્ષણ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત આ કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયા હાલ ચાલુ હોવાથી પ્રવેશ માટે www.kaushalyaskilluniversity.ac.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. પ્રવેશ સંબંધિત વિગતો માટે ૬૩૫૬૦ ૩૭૬૮૦ પર સંપર્ક કરી શકાશે.
હિમાચલમાં પૂરનો પ્રકોપ,બ્રેડ, દૂધ, ઈંડા શાકભાજીની કટોકટી