પાંચ રાજ્યોમાં સેમીફાઈનલનો જંગ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશમાં ભાજપ, કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર, રાહુલ ગાંધીનો વાર તો PM મોદીનો પ્રહાર

0
58
બીજેપી કોંગ્રેસ
બીજેપી કોંગ્રેસ

લોકસભા ચૂંટણી 2024 પહેલા આ વર્ષના અંતમાં છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત કુલ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. આજે પીએમ મોદીએ છત્તીસગઢમાં તો રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. લોકસભાની ચૂંટણી પહેલાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામી રહ્યો છે. શનિવારે પ્રધાનમંત્રી મોદીએ છત્તીસગઢમાં અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચારનો મોરચો સંભાળ્યો. પ્રધાનમંત્રીએ જ્યાં છત્તીસગઢની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું, ત્યાં રાહુલ ગાંધીએ પોતાનો  ચૂંટણી પ્રચાર મહિલા તેમજ ઓબીસી અનામત અને જાતિ આધારિત વસ્તીગણતરીના મુદ્દા પર કેન્દ્રિત રાખ્યો. મધ્ય પ્રદેશનાં લોકોને તેમણે કોંગ્રેસ સાશિત રાજ્યોની કામગીરીનો હવાલો પણ આપ્યો..

પાંચ રાજ્યોમાં આ વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે માહોલ જામી ગયો છે. ભાજપ અને કોંગ્રેસે પ્રચારનો મોરચો સંભાળી લીધો છે, કોઈ સત્તા બચાવવા લડી રહ્યું છે, તો કોઈ સત્તા મેળવવા મથી રહ્યું છે.પ્રધાનમંત્રી મોદી શનિવારે છત્તીસગઢના બિલાસપુરના પ્રવાસે હતા, ચૂંટણી સભાને સંબોધન કરતાં સ્વાભાવિક રીતે જ તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. રાજ્યની કોંગ્રેસ સરકારને તેમણે ભ્રષ્ટાચારમાં લિપ્ત ગણાવી. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારની કામગીરીના વખાણ કર્યા હતાં. 
 
તો આ તરફ મધ્ય પ્રદેશના શાજાપુરમાં સભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોની કામગીરી ગણાવી. તેમણે કહ્યું કે રાજસ્થાન, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશની જેમ કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં પણ પોતાના વાયદા પૂરા કરશે. 

રાહુલ ગાંધીએ મહિલા અનામત અને ઓબીસી અનામતના મુદ્દે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે મહિલા અનામત તાત્કાલિક ધોરણે લાગુ કરવાની માગ કરી, દેશમાં OBC સહિતના વર્ગોની સંખ્યા જાણવા જાતિ આધારિત વસ્તી ગણતરીની માગ પણ કરી. જો કે ભાજપનું કહેવું છે કે રાહુલ ગાંધીને જાતિ આધારિત વસ્તી ગણતરીની સમજ નથી.  

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારમાં OBCના અધિકારીઓનું પ્રતિનિધિત્વ નામ પૂરતું હોવાનો આક્ષેપ કર્યો છે. જેની સામે ભાજપે સવાલ કર્યો કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કેટલા ટોચના અધિકારીઓ ઓબીસીના છે.

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની ચૂંટણી હવે દૂર નથી, ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમય જતાં જંગ વધુ આક્રમક બનવાનો છે. એમપીમાં તો ભાજપે પોતાના મોટાભાગનાં ઉમેદવાર પણ જાહેર કરી દીધાં છે. એવામાં ક્યાં સત્તા પરિવર્તન થાય છે અને ક્યાં પુનરાવર્તન, એ સામે આવવામાં હવે વધુ સમય નહીં લાગે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.