આઇએએસ અને આઇપીએસ વગર સરકારી ગાડી દોડાવી તો ઠીક હલી પણ ન શકે,, જેમની ગણના સેવાના ભેખધારીઓ તરીકે થાય છે,જેઓ દેશની સેવા અને સમાજ સેવા માટે જોતરાયેલા છે તેવા સરકારી બાબુઓ આઇએએસ અને આઇપીએસ સહિતના બીજા અધિકારીઓ માટે 21 એપ્રિલ ખાસ દિવસ છે, આ દિવસને સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવાય છે, તો જાણીએ શુ છે આ દિવસનું મહત્વ
21 એપ્રિલ એટલે નેશનલ સિવિલ સર્વિસ ડે. દેશભરમાં ઉજવાઈ રહેલો આ દિવસ સમાજના ભલા અને લોકોની સેવામાં લાગેલા સરકારના સનદી અધિકારીઓ માટે ખાસ છે. જેને સેવાના ભેખધારીઓ કહી શકાય તેવા IAS અને IPS સહિતના અધિકારીઓની સેવાની કદર કરીને તેમને યોગ્ય પુરસ્કાર આપવાનું કામ આ દિવસે થાય છે.
કેમ ઉજવાય છે સિવિલ સર્વિસ ડે
દેશના ઘણા લોકસેવા વિભાગોમાં રોકાયેલા અધિકારીઓના કામને ઉજાગર કરવા માટે દર વર્ષે 21 એપ્રિલના રોજ રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ 2023 ઉજવવામાં આવે છે. સાથે મળીને સરકારી તંત્રને ચલાવનાર અને દેશના નાગરિકોની સેવા અધિકારીઓનું સન્માન કરાય છે.
સિવિલ સર્વિસમાં ધારાસભા, ન્યાયતંત્ર અને લશ્કરી કર્મચારીઓનો સમાવેશ થતો નથી. સિવિલ સર્વિસના ક્ષેત્રમાં અધિકારીઓ કોઇ પણ રાજકીય પક્ષ માટે પ્રતિબદ્ધ નથી.
સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા કોણે કહ્યા
સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં દિલ્હીના મેટકાફે હાઉસમાં વહીવટી સેવાના અધિકારીઓના પ્રોબેશનર્સને સંબોધન કર્યું હતું અને તેમના સંબોધનમાં પટેલે સનદી અધિકારીઓને ‘સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા’ ગણાવીને તેમના મ્હોંફાટ વખાણ કર્યાં હતા તે જ દિવસથી ભારતમાં 21 એપ્રિલને નેશનલ સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવવાની પરંપરા રહી છે.
આ અવસરે પ્રધાનમંત્રી સર્વશ્રેષ્ઠ અધિકારીઓને આપે છે પુરસ્કાર
દર વર્ષે આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા જાહેર વહીવટના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા માટે જિલ્લા/અમલીકરણ એકમોને એવોર્ડ આપવામાં આવે છે. આ પુરસ્કાર યોજના દેશભરના ઘણા જિલ્લાઓને આવરી લે છે. તદુપરાંત, એવોર્ડ સમારંભ સનદી અધિકારીઓને એક સાથે લાવે છે અને તેમને એકબીજા સાથે જોડાવામાં પણ મદદ કરે છે. સાથે જ દેશભરમાં જે સારી પ્રથાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે તેના વિશે પણ જાણકારી મેળવે છે.
વર્ષ 2023ની થીમ શુ છે
2023ના સિવિલ સર્વિસ ડેની થીમ ‘વિકસિત ભારત – એમ્પાવરિંગ સિટિઝન્સ એન્ડ રીચ ધ લાસ્ટ પર્સન’ છે. આ દિવસે પ્રધાનમંત્રી મોદી વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને સર્વશ્રેષ્ઠ 16 આઈએએસને પુરસ્કારથી સન્માનિત કરશે. કેન્દ્રીય કાર્મિક મંત્રાલય હેઠળના વહિવટીય સુધારાના સચિવ વી શ્રીનિવાસે એવું કહ્યું કે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેની વડા પ્રધાન એવોર્ડ યોજનામાં સૌથી વધુ 748 જિલ્લાઓએ ભાગ લીધો હતો અને તેમની પાસેથી રેકોર્ડ 2,540 નામાંકન પ્રાપ્ત થયા હતા. તેમણે કહ્યું કે આ નામાંકનોમાંથી 16ને વડાપ્રધાન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે, જેને પ્રધાનમંત્રી 21 એપ્રિલ 2023ના દિવસે રજૂ કરશે.
જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે PM પુરસ્કાર 2006થી શરુ થયો
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2006માં જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં જિલ્લાઓ/સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા અપવાદરૂપ અને નવીન કાર્યોને માન્યતા આપવાનો અને પુરસ્કાર આપવાનો હતો.
આઇએએસ અને આઇપીએસ ક્યારે બની શકાય
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એક્ઝામ (UPSC Exam) ને ભારતની સૌથી અઘરી પરીક્ષામાંની એક માનવામાં આવે છે. આ એક્ઝામને પાસ કર્યા બાદ જ આઈએએસ (IAS), આઈપીએસ (IPS), આઈઈએએસ કે આઈએફએસ અધિકારીનું સિલેક્શન થતુ હોય છે. આ તમામ અધિકારીઓનું કામ અલગ અલગ હોય છે અને તેમની ભૂમિકા પણ અલગ હોય છે.
આઇએએસ અને આઇપીએસમાંથી વધુ કોણ પાવરફુલ હોય છે,
આઈએએસ અને આઈપીએસની જવાબદારીઓ અને શક્તિઓ એકદમ અલગ અલગ હોય છે. IAS અધિકારીઓને પર્સનલ અને પ્રશિક્ષણ વિભાગ, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય નિયંત્રિત કરે છે. તો બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રાલય IPS કેડરને નિયંત્રિત કરે છે. IAS અધિકારીનો પગાર IPS અધિકારીની સરખામણીમાં વધારે હોય છે. તેની સાથે જ, એક જ ક્ષેત્રમાં માત્ર એક આઈએએસ અધિકારી જ હોય છે, જ્યારે કે એક ક્ષેત્રમાં IPS અધિકારીઓની સંખ્યા જરૂરિયાત અનુસાર વધારે હોય છે. કુલ મળીને IAS અધિકારી પદ, વેતન અને અધિકારના મામલામાં IPS અધિકારી કરતા વધુ સક્ષમ હોય છે.