કુરિવાજો દૂર કરવા ઠાકોર સમાજ આગળ આવ્યો, આટલા રિવાજો પર આજથી મૂક્યો પ્રતિબંધ

0
202
ઠાકોર સમાજ
ઠાકોર સમાજ

સમાજ ભલે આધુનિક થયો હોય પણ રિવાજો અને કુરિવાજો ઠેરની ઠેર છે,  જ્યાં જુઓ ત્યાં યંગસ્ટર્સમાં મોબાઈલનું દૂષણ ઘૂસી ગયું છે. યંગસ્ટર્સ કામધંધા છોડીને રીલ્સ-ફોટો લેવામાં વ્યસ્ત હોય છે. આવામા ઠાકોર સમાજે અનોખી પહેલ કરી છે. મહેસાણાના વડનગર-બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે સમાજ સુધારણા માટે અનોખી પહેલ કરી છે. ઠાકોર સમાજના મોભીઓએ મળીને સમાજ સુધારણા માટે આ મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં સ્માજમાં વ્યાપેલા કુરિવાજોને દૂર કરવા સમાજલક્ષી નિર્ણયો લીધા છે. 

મહેસાણાના વડનગર-બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે કેટલાક કુરિવાજો પર પ્રતિબંધ મૂકતા નિર્ણયો લીધા છે. હવેથી સમાજના લગ્નમાં ડીજે, જુગાર, વરઘોડો કાઢવા પર પ્રતિબંધ મૂકાયો છે. 84 ગામના સમાજના લોકો અને આગેવાનોએ સાથે મળીને આ નિર્ણય કર્યો છે. સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા આ એક પહેલ છે. જેમાં મુખ્ય પ્રતિબંધ લગ્ન સહિતના પ્રસંગોમાં ડીજે વગાડવાનો છે. સમાજના પ્રમુખની હાજરીમાં આ નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. 

કયા કયા નિર્ણયો લેવાય

  • લગ્ન પ્રસંગોમાં DJ વગાડવા, જુગાર રમવા, વરઘોડો કાઢવા પ્રતિબંધ રહેશે. 
  • લગ્ન પ્રસંગે તથા બીજા દરેક પ્રસંગોમાં ડી.જે. વગાડવાનું બંધ કરાશે. જેમ પ્રથા બંધ તેમ લગ્ન પ્રસંગે વરઘોડા પણ બંધ. 
  • ઓઢણી પ્રસંગે ફક્ત મહિલાઓએ જવુ, પુરૂષોના જવા ઉપર પ્રતિબંધ
  • મરણ પ્રસંગે ઘરધણી સિવાય બીજા કોઈએ સોળ લઈ જવી નહીં, સોળના બદલે રોકડથી વહેવાર કરવો
  • મરણ પ્રસંગે ઘરધણી સિવાયનાઓએ માથે સાડી નાંખવાની પ્રથા બંધ, રોકડથી વ્યવહાર કરવો
  • લગ્ન જેવા પ્રસંગોમાં ઓઢામણા પ્રથા સદંતર બંધ, રોકડથી વ્યવહાર કરવો
  • લગ્ન પ્રસંગે તથા અન્ય સામાજીક પ્રસંગોમાં રમાતા જુગાર ઉપર પ્રતિબંધ

સમાજના પ્રમુખ ઉદાજી ખાંભોક અને મંત્રી દિનેશજી સુલતાનપુરાની અધ્યક્ષતામાં આ નિર્ણયો લેવાયા છે. આ નિર્ણયો વિશે સમાજના આગેવાન ઉદાજી ખાંભોકે જણાવ્યું કે, અમે આખો સમાજ ભેગો કર્યો હતો. તમામ આગેવાનોને સાથે લઈને આ નિર્ણય કર્યો છે. અમારા સમાજમાં દારૂબંધી 35 વર્ષ છે. તેને પણ પ્રતિબંધ મૂકીને દૂર કરાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એક બાદ એક સમાજ કુરિવાજો દૂર કરવા આગળ આવી રહ્યાં છે. સમાજમાં ચાલી રહેલા કુરિવાજોને દૂર કરવા અનેક સમાજોએ પહેલ કરી છે. આ પહેલા બનાસકાંઠાના ઠાકોર સમાજે કુરિવાજો દૂર કરવા કેટલાક નિર્ણયો લીધા હતા. 

સામાજિક પ્રસંગોમાં પ્રવેશી ગયેલા કુરિવાજો અને દેખાદેખીને અટકાવવા માટે ઉત્તર ગુજરાતના 53 ગામનો પાટીદાર સમાજે પણ કેટલાક નિર્ણયો લીધા હતા. લગ્ન, જન્મ અને મરણ પ્રસંગે આજે પણ ઘણા કુરિવાજોનું લોકો કારણ વિના પાલન કરી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ પશ્વિમના રિવાજો અને ફિલ્મી દુનિયાની દેખાદેખીમાં નવી બાબતો રિવાજ તરીકે ઉમેરાઈ રહી છે. પછી તે પ્રિ વેડિંગ ફોટો શૂટ હોય, કે બેબી શાવરના પ્રસંગ, લગ્નના રિસેપ્શન હોય કે ડીજેનો ઉપયોગ. લોકો અવિચારી રીતે દૂષણોને આગળ ધપાવી રહ્યા છે. ધનિક પરિવારોને તો કોઈ વાંધો નથી આવતો, પણ સામાન્ય પરિવારો આર્થિક રીતે પડી ભાંગે છે.