દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં એક નવા અધ્યાયનો ઉમેરો થવા જઈ રહ્યો છે. વિપક્ષી સંગઠનના ઈન્ડિયા ગઠબંધનની ત્રીજી અને નિર્ણાયક બેઠકનો સમય આવી ગયો છે. આ બેઠક પહેલાં એક વિચિત્ર પ્રકારની સ્થિતિ પ્રવર્તે છે. જે વિપક્ષી દળો ની એકતા સામે સવાલ પણ ઉભા કરે છે. ક્યાંક પોસ્ટરના માધ્યમથી તો ક્યાંક નેતાઓના દાવાથી વિપક્ષી દળો ની એકતા છાશવારે એવી રીતે ડળોહાઈ જાય છે, જેમ શાંત પાણીમાં કાંકરો ફેંકતા વમળો સર્જાય છે. વિપક્ષી દળો માં પ્રધાનમંત્રી પદની દાવેદારી અને ગઠબંધનના સંયોજક પદ માટે આંતરિક ખેંચતાણ ચાલી રહી છે, જે હજુ સુધી તે સામે નથી આવી, પણ બે દિવસની બેઠકમાં ઘણું બધું સ્પષ્ટ થઈ જશે.
વિપક્ષના ગઠબંધન પર ઔપચારિકતાની અંતિમ મહોર લાગવાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે. ગુરુવાર અને શુક્રવારે મુંબઈમાં યોજાનારી ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં વિપક્ષનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જો કે બેઠક પહેલાં જ વિપક્ષને લગતી ઘણી ચર્ચાઓથી રાજકારણ ગરમાયું છે. સૌથી મોટો મુદ્દો એ ચર્ચાઈ રહ્યો છે કે વિપક્ષના ગઠબંધનના સંયોજક કોણ હશે. તેમજ વિપક્ષમાંથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર કોણ હશે. સંયોજક પદ માટે જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ સૌથી આગળ મનાય છે, ત્યાં પ્રધાનમંત્રી પદ માટે ઘણા દાવેદારો છે.
આ યાદીમાં વધુ ત્રણ નામ ઉમેરાયા છે.સમાજવાદી પાર્ટીએ પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવનું નામ આગળ ધર્યું છે, તો આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલનું. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે ઉદ્ધવને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અગાઉ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીનું અને જેડીયુના નેતાઓ નીતિશકુમારનું નામ પ્રધાનમંત્રીની રેસમાં આગળ ધરી ચૂક્યા છે. એટલે કે વિપક્ષના ગઠબંધનમાં સામેલ દરેક મોટો પક્ષ પ્રધાનમંત્રી પોતાના પક્ષનો ઈચ્છે છે. વિપક્ષના ગઠબંધનમાં અત્યારે એક ટ્રેન્ડ એ ચાલી રહ્યો છે કે જે તે પક્ષના પ્રવક્તા પોતાના નેતાનું નામ પ્રધાનમંત્રી પદ માટે આગળ ધરે છે, પણ પક્ષના અન્ય નેતાઓ આ દાવાને ફગાવી દે છે.
અગાઉ જેડીયુએ નીતિશકુમારને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર અને ઈન્ડિયા ગઠબંધનના સંયોજક બનાવવાની માગ કરી હતી. આ બાબતે કોંગ્રેસ અને જેડીયુ વચ્ચે અણબનાવ થયો હોવાની પણ ચર્ચા છે. જો કે નીતિશકુમાર તેનો ઈન્કાર કર્યો છે. પણ ભાજપનું માનીએ તો આરજેડી જ નીતિશકુમારને આગળ નહીં આવવા દે. ભાજપ એવું કહીને વિપક્ષના ગઠબંધન પર સવાલ ઉઠાવી રહ્યું છે કે આ ગઠબંધનમાં વિરોધીઓ ભેગા થયા છે. વિપક્ષમાં સામેલ પક્ષો આ વાતને સ્વીકારે પણ છે. જો કે તેમનો દાવો છે કે આ ગઠબંધન સત્તા માટે નહીં પણ દેશ બચાવવા કરાયું છે.
વિપક્ષની બેઠક પહેલાં પોસ્ટર પોલિટિક્સ પણ ગરમાઈ ગયું હતું. કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ તસવીર પોસ્ટ કરી હતી. જેમાં રાહુલ ગાંધી લીડ કરી રહ્યા છે અને પછી સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, લાલુ યાદવ, ઓમર અબ્દુલ્લા અને વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીની તસવીરો હતી. જો કે તસવીરમાંથી અરવિંદ કેજરીવાલ ગાયબ હોવાથી તુરંત ભાજપે કોંગ્રસ પર પ્રહાર કર્યા, વિપક્ષની એકતા સામે ફરી સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસ તુરંત જાગી અને આ તસવીરને દૂર કરીને તેની જગ્યાએ આ તસવીર પોસ્ટ કરી, જેમાં ફક્ત વિપક્ષ શાસિત 11 રાજ્યોના મુખ્યમંત્રીઓની તસવીર હતી. આ તસવીરમાં કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માનને પણ સ્થાન અપાયું.
31 ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બરે યોજાનાર વિપક્ષની બેઠકમાં મોટા મુદ્દાઓ પર સહમતિ સધાઈ શકે છે. આ બેઠકના એજન્ડા પર નજર કરીએ તો, GFXIN તેમાં ઈન્ડિયા ગઠબંધનના લોગોનું અનાવરણ કરાશે. ગઠબંધનના કન્વીનર અને પ્રવક્તાની પસંદગી કરાશે. દિલ્લીમાં ગઠબંધનની હેડ ઓફિસ અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. પાંચ રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ માટે બેઠકોની વહેંચણી પર નિર્ણય લેવાઈ શકે છે. સૌથી મહત્વનું વિપક્ષનો કોમન મિનિમમ એજન્ડા જાહેર થઈ શકે છે.
વિપક્ષે જ્યાં હજુ પોતાના ગઠબંધનનો લોગો જાહેર નથી કર્યો, ત્યાં કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક તસવીર શેર કરીને ઘણું બધું સ્પષ્ટ કરી દીધું છે. આ તસવીર કે તેનાથી ભળતી કોઈ તસવીર ગઠબંધનનો લોગો બની શકે છે. વિપક્ષની બેઠક પહેલાં જ કેન્દ્ર સરકારે જ્યાં LPG સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે, ત્યાં વિપક્ષે આ મુદ્દે પણ સરકાર પર નિશાન સાધ્યું છે. મમતા બેનર્જી જ્યાં આ ભાવઘટાડાને વિપક્ષનો ડર ગણાવી ચૂક્યા છે, ત્યાં સપાના અધ્યક્ષ અખિલેશ યાદવનો સવાલ છે કે સરકાર માટે રક્ષાબંધન વર્ષો બાદ કેમ આવી..
વિપક્ષની મુંબઈ બેઠક બાદ રાજકીય જંગ જામવાનો છે, તે નક્કી છે, ત્યારે હવે જોવું એ રહેશે કે વિપક્ષો વચ્ચે બેઠકમાં કયા મુદ્દે સહમતિ સધાય છે. બે દિવસમાં વિપક્ષની એકતાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.