કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓબીસી અનામત મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે. જસ્ટીસ ઝવેરી કમિશન દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો(OBC)ને બેઠકો અને ચેરપર્સન માટે અનામત ફાળવણીના અહેવાલના આધારે કેબિનેટ સબ કમિટિએ કરેલી ભલામણોનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. જેમાં ઓબીસી વર્ગોને બેઠકો/હોદ્દા માટે(પ્રમુખ,મેયર,સરપંચ) 27 ટકા અનામત નો સ્વીકાર કરવામાં આવ્યો છે.
કેબિનેટ સબ કમિટિની ભલામણો :
- સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એસ.ટી/એસ.સી.નું હાલનું બેઠકો/હોદ્દાઓ માટે જે પ્રતિનિધિત્વ છે તેમાં કોઇપણ જાતનો ફેરફાર કર્યો નથી.
- ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં PESA વિસ્તાર સિવાય 27 ટકા ફ્લેટ ઓ.બી.સી.ને બેઠકો/હોદ્દા માટે એસ.ટી/એસ.સી./ઓ.બી.સી.ની 50 ટકાની મર્યાદામાં અનામત
- નોન પેસા / બિન અનુસૂચિત વિસ્તારોમાં એસ.ટી.નું પ્રતિનિધિત્વ યથાવત રાખવામાં આવ્યું છે.
- પેસા અને નોન પેસા વિસ્તારમાં જ્યાં એસ.ટી. અને એસ.સી.ની વધુ જનસંખ્યા છે તેના કારણે અમુક વિસ્તારોમાં ઓ.બી.સી.ને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બેઠકો રદ્દ થાય છે ત્યાં ઓ.બી.સી.નું પ્રતિનિધિત્વ મળે તે માટે 10 ટકા બેઠકો હાલની સ્થિતિ પ્રમાણે યથાવત રાખવા ભલામણ કરાઇ છે.
નામદાર સુપ્રિમ કોર્ટના વિવિધ નિર્દેશોથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી કરતા પહેલા ટ્રીપલ ટેસ્ટની કાર્યવાહી કરવા નિર્દેશ અપાયા હતા. તદ્અનુસાર આયોગની રચના – સ્વરાજ્યની સંસ્થાઓ માટે પછાતપણાના સ્વરૂપ અને અસરો અંગે સંપુર્ણ અને કાળજીપુર્વક તપાસ કરવા માટે સમર્પિત આયોગની રચના કરવી. અનામતનું પ્રમાણ – આયોગની ભલામણોને આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાવાર અનામતના પ્રમાણને સ્પષ્ટ કરવું, જેથી કરીને બંધારણીય જોગવાઇનું ઉલ્લંઘન ન થાય. મહત્તમ મર્યાદા – કોઇપણ સંજોગોમાં SC/ST/OBC માટે સંસ્થાવાર અનામત રાખવામાં આવનાર બેઠકો કુલ બેઠકોના ૫૦ ટકાથી વધવી ન જોઇએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર રાજ્યના ઓ.બી.સી./એસ.ટી. અને એસ.સી. વર્ગોના હિતો માટે હંમેશાથી સંવેદનશીલ છે. રાજ્યમાં શહેરી ઉપરાંત ગ્રામ્ય સ્તરે સર્વસમાવેશક વિકાસ થાય તે દિશામાં રાજ્ય સરકારે હંમેશા પ્રયાસો હાથ ધર્યા છે. સમાજના દરેક વર્ગને વિકાસની મુખ્યધારામાં જોડીને રાજ્યનો વિકાસ હાથ ધરાયો છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોને બેઠકો તેમજ ચેરપર્સનની બેઠકોમાં અનામત ફાળવણી માટે સુપ્રિમ કોર્ટના દિશા-નિર્દેશ અનુસાર જસ્ટીસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી. આ કમિશને પોતાનો અહેવાલ રાજ્ય સરકારને રજૂ કર્યો હતો.
આ અહેવાલના અભ્યાસ માટે રાજ્ય સરકારે એક કેબિનેટ સબ કમિટિની રચના કરી હતી. આ કેબિનેટ સબ કમિટિના અહેવાલની ભલામણોનો રાજ્ય સરકારે જનહિતમાં સ્વીકાર કર્યો છે. તદ્અનુસાર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગો (OBC)ને બેઠકો / હોદ્દા (પ્રમુખ,મેયર,સરપંચ) માટે 27 ટકા બેઠકો અનામત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં નામદાર સુપ્રિમ કોર્ટના વિવિધ નિર્દેશોથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી કરતા પહેલા “ટ્રીપલ ટેસ્ટ”ની કાર્યવાહી કરવા કરાયેલ નિર્દેશનો પણ રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે.
આ ટ્રીપલ ટેસ્ટના નિર્દેશ પ્રમાણે રાજ્ય સરકારે સમર્પિત આયોગની રચના કરીને, વોર્ડ પ્રમાણે અનામતનું પ્રમાણ જાળવી અને મહત્તમ મર્યાદા નક્કી કરી. જેના આધારે સ્વરાજ્યની સંસ્થાઓ માટે પછાતપણાના સ્વરૂપ અને અસરો અંગે સંપુર્ણ અને કાળજીપુર્વક તપાસ કરવા માટે સમર્પિત આયોગની રચના અસરકારક સાબિત થશે. આયોગની ભલામણોને આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાવાર અનામતના પ્રમાણને સ્પષ્ટ કરવામાં આવ્યું. કોઇપણ સંજોગોમાં SC/ST/OBC માટે સંસ્થાવાર અનામત રાખવામાં આવનાર બેઠકો કુલ બેઠકોના ૫૦ ટકાથી વધે નહીં તે પ્રમાણેની સમગ્રતયા વ્યવસ્થા ગોઠવવામાં આવી.
તદ્અનુસાર જોઇએ તો, સમર્પિત આયોગના અહેવાલ પર કેબિનેટ સબ કમિટિની ભલામણો…
(૧) ગ્રામીણ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ (ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત)તેમજ શહેરી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ (નગરપાલિકા અને મહાનગરપાલિકા) માં અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના સમુદાયના લોકોને મળનાર હાલના પ્રતિનિધિત્વમાં સમર્પિત આયોગ દ્વારા કોઇ જ ફેરફાર કરવામાં આવેલ નથી, તે બાબતની કેબિનેટ સબકમિટી દ્વારા નોંધ લેવામાં આવી તેમજ તે બાબતે સંમતી દર્શાવવામાં આવી.
(ર) ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તેમજ ગ્રામ પંચાયતોમાં, શિડ્યુલ (અનુસૂચિત) વિસ્તારો અને પેસા (PESA) એક્ટની જોગવાઈઓ લાગુ પડે છે તે સિવાયના વિસ્તારોમાં વોર્ડ / બેઠક માટે અને હોદ્દાઓ (પ્રમુખઓ / સરપંચઓ) અન્ય પછાત વર્ગ (ઓ.બી.સી.) માટે ૨૭% અનામત (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે બેઠકો / હોદ્દાઓ ૫૦% ની મર્યાદામાં) રાખવા માટે કમિટીની ભલામણ છે.
(૩) શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા વિસ્તારોમાં પણ વોર્ડ / બેઠક અને હોદ્દાઓ માટે (પ્રમુખઓ/મેયરઓ) માટે અન્ય પછાત વર્ગ (ઓ.બી.સી.) માટે ૨૭% અનામત (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે બેઠકો/હોદ્દાઓ ૫૦%ની મર્યાદામાં) માટે કમિટીની ભલામણ છે.
(૪) બિન અનુસૂચિત વિસ્તારોની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનુસૂચિત જનજાતિને (ST) અનુસૂચિત વિસ્તાર / પેસા એક્ટની જોગવાઇઓ મુજબ અનામત બેઠકો ફાળવવામાં આવેલ છે. જેમાં હાલની સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ (ST) માટે જે પ્રતિનિધિત્વ સંસ્થાવાર અમલમાં છે, તેનો અમલ યથાવત રાખવા ભલામણ કરેલ છે.
(૫) સમર્પિત આયોગ દ્વારા રજૂ કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાવાર આંકડાકીય માહિતીનું અવલોકન કરતા સમગ્ર રાજ્યની ગ્રામીણ અને શહેરી વિસ્તારની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સંસ્થાવાર હાલની ૧૦%ની નીતિ અનુરુપ અન્ય પછાત વર્ગોના ફાળે બેઠકો ફાળવાયેલ છે, પરંતુ સમર્પિત આયોગ દ્વારા અન્ય પછાત વર્ગોને (OBC) બેઠકોની ફાળવણીની ભલામણ કરતા પેસા વિસ્તાર અને નોન-પેસા વિસ્તારમાં કેટલીક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોની બેઠકો રદ્દ થઇ જાય છે. તેવી સંસ્થાઓમાં (a) ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૯,૧૦,૧૧ તથા ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની કલમ-૬ તેમજ આ અધિનિયમોમાં થયેલ વખતો-વખતના સુધારા-વધારા અનુસાર અન્ય પછાત વર્ગોને (OBC) અગાઉની ૧૦% નીતિ મુજબ ફાળવેલ આરક્ષિત બેઠકો યથાવત રાખવા કમિટીએ ભલામણ કરી છે. (મહાનગરપાલિકાઓમાં આ પ્રમાણેની પરિસ્થિતિ ઉદ્દભવેલ નથી.)
જસ્ટીસ ઝવેરી કમિશનની ભલામણોનો સ્વીકાર કરીને અમલવારી માટે સમર્પિત આયોગ દ્વારા ઓ.બી.સી. વસ્તીના આંકડા જે ગણતરીમાં લીધા છે તેમાં કલેકટર કચેરીની ચૂંટણી શાખાના આંકડા, આરોગ્ય વિભાગના આંકડા, વર્ષ-૨૦૨૧-૨૨ દરમ્યાન ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ બાળકોના આંકડા, મતદાર યાદીમાં ઓ.બી.સી. મતદારોના આંકડા, બ્રીટીશ સમયના સેન્સસના આંકડા, કમિશન દ્વારા વિભાગીય કક્ષાએ વિવિધ સમાજો દ્વારા થયેલ રજૂઆતોના આંકડા, ગ્રામિણ વિસ્તારોમાં ૫૨ ટકા અને શહેરી વિસ્તારોમાં ૪૬.૪૩ ટકા મળી ઓ.બી.સી.ની વસ્તી રાજયમાં ૪૯.૨૦ ટકા અંદાજવામાં આવેલ છે.