લોભામણી લાલચ આપીને સુરતનું પ્રકાશ જ્વેલર્સ ગ્રાહકોને છેતરી ગયું, દુકાન બંધ કરી ફરાર

0
190
છેતરપિંડી
છેતરપિંડી

સુરત શહેરમાં હીરા – કાપડ માર્કેટ સાથે જવેલર્સ માર્કેટમાં ઉઠમણાંનો દોર શરૂ થયો. વરાછાના કે. પ્રકાશ જ્વેલર્સ ના ધાણકબંધુ દ્વારા ૧૨ લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. વરાછા વિસ્તારમાં મોટું નામ ધરાવતા કે પ્રકાશ જવેલર્સ દ્વારા છેતરપિંડીની ઘટના સામે આવતા સુરત પોલીસે તપાસ શરૂ કરી. વરાછા એફિલ ટાવરમાં કે. પ્રકાશજવેલર્સ નામથી દુકાન ધરાવતાં ધાનકબંધુ દ્વારા એક વર્ષ માટે જુનું સોનુ જમા રાખનાર ગ્રાહકને સસ્તા ભાવે ઘડામણ કરી આપવાની સ્કીમ રાખી હતી. જે અંતર્ગત ધાનકબંધુઓ વરાછાનાં નોકરિયાત આધેડ સહિતનાં ચાર ગ્રાહકોનું કુલ રૂ. ૧૨.૧૮ લાખનું સોનું કે તેની કિમંત પરત નહીં કરી દુકાન બંધ કરી ઉઠમણું કરી રફુચક્કર થઈ ગયા હતાં. 

વરાછા લંબે હનુમાન રોડ સ્થિત એસએમસી કોમ્યુનિટી હોલ પાસે આવેલી સાગર સોસાયટીમાં રહેતાં ૫૦ વર્ષીય હસમુખભાઈ મોહનભાઈ ધેવરીયા લસકાણા ડાયમંડ નગર ખાતે સીતારામ પોલીફેબ કાપડની મિલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. વરાછા એફિલ ટાવર ખાતે દુકાન નં. ૨૦ થી ૨૬ માં કે. પ્રકાશ જ્વેલર્સ નામથી દુકાન ચલાવતાં પ્રકાશભાઈ ધાનક અને તેના ભાઈ કેવલ દ્વારા એક વર્ષ સુધી જૂનું સોનું જમા રાખશો તો એક વર્ષ બાદ પ્રતિગ્રામ રૂ. ૫૧ નાં ભાવથી દાગીના બનાવી આપવામાં આવશે તેવી સ્કીમ રાખવામાં આવી હતી. પ્રકાશભાઈ ધાનકને ત્યાંથી ૧૦ વર્ષથી દાગીના ખરીદતા કે બનાવતાં હોવાથી હસમુખભાઈ ઘેવરીયાએ તા. ૨૯૯ ૨૧ નાં રોજ રૂ. ૫,૫૨,૬૦૦ ની કિમંતનાં ૧૧૯.૮૦૦ ગ્રામ પનીનાં દાગીના આપવામાં આવ્યા હતાં. 

એ જ રીતે અન્ય ત્રણ ગ્રાહકો પૈકીનાં શાંતિલાલ વાધેલાએ રૂ.૨,૭૬, ૭૨૧ની કિમંતનું ૫૬.૮૮૦ ગ્રામ સોનુ તથા તુષારભાઈ નાનજીભાઈ ક્યાડાએ રૂ. ૧,૨૯, ૧૩૬ ની કિમંતનું ૨૮ ગ્રામ સોનુ ઉપરાંત અનિલ અશોકભાઈ રાઠોડે પણ સોનાની બંગડી ખરીદવાની હોવાથી ટુકડે ટુકડે રૂ. ૨.૬૦ લાખનું સોનું જમા કરાવ્યું હતું. આમ જવેલર્સ દ્વારા નિયત સમયે સ્કીમ મુજબ દાગીના નહીં બનાવવા ઉપરાંત જમા કરાવેલાં સોનાની કિંમત પણ તરત નહીં કરી ધાનકબંધુ દ્વારા બહાનાબાજી કરી ચારેય ગ્રાહકોને ખોટા વાયદાઓ કરી સમય પસાર કરતા રહેતા હતાં. 

આ દરમિયાન ધાનકબંધુ પોતાની દુકાન બંધ કરી રફુચક્કર થઈ ગયા હતાં. મોબાઈલ પણ સતત બંધ આવતાં ચારેય ગ્રાહકો દ્વારા કુલ રૂ. ૧૨,૧૮, ૪૫૭ નું સોનુ લઇ ઉઠમણું કરનારાં ધાનકબંધુ વિરૂદ્ધ વરાછા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. જે અંતર્ગત વરાછા પોલીસે ચારેય ગ્રાહકો વતી હસમુખભાઈ ઘેવરીયાની ફરિયાદ લઈ ગતરોજ કે. પ્રકાશ જ્વેલર્સનાં ધાનકબંધુ વિરુદ્ધ ઈપીકો કલમ ૪૦૯, ૪૨૦ તથા ૧૧૪ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.