સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી ને 27 ટકા અનામત, SC-ST અનામત માં ફેરફાર નહીં- કોંગ્રેસ કહ્યુ ઓબીસી સાથે અન્યાય

0
227
ઓબીસી
ઓબીસી

ઓબીસી અનામત ને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઝવેરી કમિશનનો અહેવાલ કેબિનેટમાં રજૂ કરાયો હતો. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી માટે 27% અનામત જાહેર કરાઈ છે. જે અગાઉ 10 ટકા બેઠક હતી. તેમજ સૌથી મોટી વાત એ છે કે, SC-STમાં બેઠકમાં કોઈ ફેરફાર કરાયો નથી. ઝવેરી પંચના ભલામણનો અભ્યાસ કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. આ જાહેરાત બાદ ઓબીસી સમાજના નેતાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી. સરકારની આ જાહેરાતથી ઓબીસી સમાજના લોકોનું પ્રતિનિધિત્વ વધશે. આવનારા સમયમાં મહાનગરપાલિકા, નગરપાલિકામાં ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ વધશે. આ જાહેરાત બાદ કમલમમાં ઢોલ નગારા વગાડીને ખુશી વ્યક્ત કરાઈ હતી. 

પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ઝવેરી પંચના રિપોર્ટની અસરકારક તપાસ કરવામાં આવી છે. ઓબીસીને 27 ટકા અનામતની ભલમાણી કરાઈ છે, ST અને SC અનામત યથાવત રાખવાની ભલામણ કરાઈ છે. ગ્રામીણ તથા શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC અને STના અનામતમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નહીં તેમજ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 27 ટકા અનામતની ભલામણ કરાઈ છે. વધુમાં ઉમેર્યું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે 10 ટકા અનામત OBCને આપવામાં આવી છે તે અનામત યથાવત રહેશે. મહાનગરપાલિકા અને નગરપાલિકામાં OBC અનામત 27 ટકા ફાળવવામાં આવી છે.

ઋષિકેષ પટેલે જણાવ્યું કે, 9 જિલ્લા અને 61 તાલુકામાં આદિવાસી વસ્તી 50 ટકા કરતાં વધારે છે. આ વિસ્તારમાં વસ્તી પ્રમાણે બેઠક ફાળવવામાં આવશે. 10 બેઠકો ઓબીસીને આપીએ છીએ તે ચાલુ રહેશે. જો 25થી 50 ટકા વસ્તી હશે તો નિયમ પ્રમાણે બેઠક આપવી એટલે ઓબીસી બેઠક ઘટી જાય એમ છે, એટલે એવા કિસ્સામાં સરકારે 10 ટકા અનામત યથાવત રાખી છે. યુનિટનો અભ્યાસ કર્યા બાદ 27 ટકા એ 50 ટકા કરતા વધે નહીં તે જોવામાં આવશે. બાકીનો રહેલો ગેપ આપીએ છીએ. કુલ બેઠકના 50 ટકા બેઠક અનામત એટલે કે 27 ટકા અનામત સાથે થાય છે. 

કોંગ્રેસે વિરોધ કરતા જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટમાં ચુકાદાના આધારે આખા દેશમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ અનામતની જોગવાઈ હતી. તેના બદલે દરેક રાજ્ય પોતાના વિસ્તારોમાં ઓબીસીની કેટલી વસ્તી છે તેને ગણતરી કરાવે અને તેનો રિપોર્ટ કોર્ટમાં જમા કરાવે, અને ત્યાર બાદ અનામતની જોગવાઈ લાગુ કરાવની વ્યવસ્થા કરાય. ગુજરાત સરકારે આટલા વર્ષોમાં કોઈ કાર્યવાહી ન કરી. ઓબીસી સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાનો રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરાયો હતો. જેના બાદ ઝવેરી પંચ બનાવવાની ફરજ કરાઈ હતી. તેના માટે આયોગ બનાવાયું. 90 દિવસમાં રિપોર્ટને બદલે બે વાર મુદત વધારાઈ. વિધાનસભામાં પણ અમે રજૂઆત કરી હતી. આ રિપોર્ટને કારણે ઓબીસી સમાજને અન્યાય થાય છે. આ જાહેરાતથી સ્પષ્ટ દેખાય છે કે સરકારનો હેતુ સારો નથી. 

ઓબીસી અનામતનો ઇતિહાસ

1931ની વસ્તીગણતરીના આધારે જોઈએ તો ગુજરાતમાં ઓબીસી શ્રેણીમાં આવતી જ્ઞાતિઓની કૂલ વસ્તી 52 ટકા જેટલી હતી. જોકે, તેની સામે તેમનું રાજકીય પ્રતિનિધિત્વ ઓછું છે તેવા સંજોગોમાં જાતિઆધારિત વસ્તીગણતરી અંગેનો મુદ્દો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહત્ત્વનો બની રહેશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10 ટકા બેઠકો ઓબીસી માટે અનામત હતી પણ તાજેતરમાં તે રદ કરી દેવાઈ છે જેને લઈને વિવાદ થયો હતો.

હાલમાં રાજ્ય સરકાર દ્વારા પંચ નીમીને ઓબીસી અનામતને લાગુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે પણ કૉંગ્રેસ દ્વારા ત્રણ મહિનામાં જ્ઞાતિઆધારિત વસ્તીગણતરી કરાવીને સ્થાનિકસ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

2022 માં કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતુ કે, “ગુજરાતની સ્થાનિકસ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં 10% ઓબીસી અનામતની જોગવાઈ હતી તેને કાઢી નાંખવામાં આવી છે. કૉંગ્રેસ પાર્ટીની મહત્ત્વની માગણી છે કે જાતિઆધારિત વસ્તીગણતરી થવી જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ સૈદ્ધાંતિક રીતે આ વાતને સ્વીકારવામાં આવી છે પરંતુ યેનકેન પ્રકારે આ કામ કરવામાં આવતું નથી.”

ભરતસિંહે કહ્યુ હતું, “ભાજપ એવું માને છે કે અનામતની જોગવાઈ ન હોવી જોઈએ. વર્ષ 1972માં બક્ષીપંચની રચના કરવામાં આવી હતી. જે પંચ દ્વારા 27 ફેબ્રુઆરી 1976ના રોજ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે 10 જાન્યુઆરી 1985ના રોજ 27% ઓબીસી અનામત જાહેર કરવામાં આવી હતી.”